જિલ્લા વનવિભાગ દ્વારા પર્યાવરણ જાગૃતિ અને વૃક્ષારોપણ માટે રાજ્યવ્યાપી “એક પેડ મા કે નામ 2.0” અભિયાન અંતર્ગત જુનાગઢ જિલ્લાના ખડીયા ગામે વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમ સામાજિક વનિકરણ વિભાગ – ગીર સોમનાથ અને સામાજિક વનિકરણ રેન્જ – જુનાગઢ દ્વારા સંયુક્ત રીતે આયોજિત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, નવોદય સ્કૂલના શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

જવાહર નવોદય વિદ્યાલય ખાતે 400 રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, ખડીયા ખાતે વધુ 1111 રોપાઓ વાવવામાં આવ્યા હતા. આમ, શનિવારના દિવસે કુલ 1511 વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન વન વિભાગના અધિકારીઓએ હાજર રહેલા તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ અને સમાજજનોને પર્યાવરણનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે વૃક્ષો માનવજીવન માટે કેવી રીતે આવશ્યક છે તે સમજાવ્યું હતું. વરસાદની ઋતુમાં વૃક્ષારોપણનું ઔચિત્ય અને પૃથ્વીને હરિયાળી બનાવવાની જવાબદારી વિશે પણ વિસ્તૃત માહિતી આપી હતી.

વિદ્યાર્થીઓ અને વાલીઓએ પોતાના હાથે વૃક્ષારોપણ કર્યું હતું. તેમણે “એક પેડ, એક સંકલ્પ” સાથે વૃક્ષને પ્રેમ અને સંવેદનશીલતા સાથે પોષવાની પ્રતિજ્ઞા લીધી હતી.

વનવિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો થકી નાની ઉંમરે બાળકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે છે. તેઓ “ગ્રીન વોરિયર્સ” બનીને સમાજમાં હકારાત્મક પરિવર્તન લાવે છે.

