બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર 15 જાન્યુઆરીએ તેના ઘરે હુમલો થયો હતો. આ કેસમાં પોલીસે શરીફુલ ઇસ્લામની ધરપકડ કરી હતી. શરીફુલ બાંગ્લાદેશી છે, જે હજુ પણ મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે.
તાજેતરમાં જ શરીફુલ ઇસ્લામે જામીન માંગ્યા હતા, જોકે, બાંદ્રા પોલીસે આ અરજીનો વિરોધ કર્યો છે અને કહ્યું છે કે- આરોપી વિરુદ્ધ મજબૂત પુરાવા છે. આ કેસની આગામી સુનાવણી 1 ઓગસ્ટના રોજ થશે.
બાંદ્રા પોલીસે શરીફુલ ઇસ્લામની જામીન અરજી પર બાંદ્રા કોર્ટમાં જવાબ દાખલ કર્યો છે. જેમાં ફોરેન્સિક તપાસનો હવાલો આપતાં તેમણે કહ્યું છે કે સૈફ અલી ખાનના શરીરમાંથી મળેલો છરીનો ટુકડો અને ગુનાના સ્થળેથી મળેલો છરીનો ટુકડો શરીફુલ ઇસ્લામ પાસેથી મળેલા છરી સાથે મેળ ખાય છે.
પોલીસે એ પણ ભાર મૂક્યો કે શરીફુલ ઇસ્લામ એક બાંગ્લાદેશી નાગરિક છે જે ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતો હતો. જામીન મળતાં જ તે બાંગ્લાદેશ ભાગી જાય તેવી પણ શક્યતા છે. પોલીસનું કહેવું છે કે શરીફુલ ઇસ્લામે કરેલો ગુનો ખૂબ જ ગંભીર પ્રકારનો છે અને તેમની પાસે તેની વિરુદ્ધ મજબૂત પુરાવા છે.

