ધોરાજીનાં જેતપુર રોડ પરથી પસાર થઇ રહેલી બે મોટરકાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને બન્ને કારનો કડુસલો બોલી ગયો હતો, જો કે ટક્કર જેટલી જોરદાર હતી , તેના પરથી એવો અંદાજ રહે કે મુસાફરોને ગંભીર ઇજા પહોંચી હોવી જોઇએ પરંતુ સદનસીબે બન્ને કારના મળીને તમામ 12 મુસાફરને નાની મોટી ઇજા પહોંચી હતી અને તમામને સારવાર માટે ધોરાજી સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.
જો કે મુસાફરોની હાડકા સંબંધી ઇજા હોવાથી તમામને પ્રાથમિક સારવાર આપીને જૂનાગઢ રીફર કરી દેવામાં આવ્યા હતા. વધુ તપાસ ધોરાજી શહેર પોલીસ ચલાવી રહી છે. ધોરાજીનાં જેતપુર રોડ પર હીરપરા વાડીનાં ખુણા પાસે કોઇ કારણોસર બે મોટરકાર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો.
કઇ કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો કે ટક્કરનું શું કારણ હતું એ તપાસ બાદ સામે આવશે પરંતુ આ અકસ્માતમાં બન્ને વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો જ્યારે અંદર મુસાફરી કરી રહેલા બે બાળક , તેમજ પાંચ પુરુષ અને પાંચ મહિલાને નાની મોટી ઇજા થતાં પહેલાં ધોરાજી સિવિલ અને બાદમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

