સાળંગપુરધામ ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે વિશેષ શણગાર કરવામાં આવ્યા છે. શ્રી શિક્ષાપત્રી લેખન એવં આચાર્યપદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલધામના ઉપક્રમે આ આયોજન કરવામાં આવ્યું છે.
પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રીહરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી અને કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી 28 જુલાઈ, 2025ના રોજ હનુમાનજીને પ્યોર સિલ્કના શિવલિંગની થીમવાળા વાઘા પહેરાવવામાં આવ્યા છે. દાદાના સિંહાસને અર્ધનારેશ્વરના નૃત્યની થીમનો શણગાર કરવામાં આવ્યો છે સવારે 5:45 કલાકે પૂજારી સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી.

મંદિર પરિસરમાં યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ અનેરા દર્શનનો લાભ અનેક ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈને ધન્યતાનો અનુભવ કર્યો હતો.
પૂજારી સ્વામીએ જણાવ્યું કે, શ્રાવણ મહિનાના પહેલા સોમવાર નિમિત્તે હનુમાનજીને સુરતમાં એક અઠવાડિયાની મહેનતે બનાવેલા પ્યોર સિલ્કના શિવલિંગની થીમવાળા વાઘા પહેરાવવામાં આવ્યા છે.
શ્રાવણ માસ દરમિયાન દરરોજ સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી પવિત્ર બ્રાહ્મણો દ્વારા શ્રી હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાન કરવામાં આવે છે. આ ઉપરાંત, શ્રીહરિ મંદિરમાં પ.પૂ.શ્રી નારાયણમુની સ્વામી દ્વારા દરરોજ સાંજે 4 થી 6:30 કલાક દરમિયાન દિવ્ય શ્રીમદ્ ભાગવત કથાનું રસપાન કરાવવામાં આવે છે.

