Gujarat

પાણી ભરેલા અંડરપાસમાં ડ્રાઇવરે બસ ઉતારી દીધી, નર્સિંગ કોલેજના 40 છાત્રોના જીવ તાળવે ચોંટ્યા; બસને ક્રેઇનથી ખેંચવી પડી

મહેસાણા લાયન્સ હોસ્પિટલ સંચાલિત ડિસ્ટ્રિક્ટબેંક કોલેજ ઓફ નર્સિંગના 40 છાત્રો ભરેલી બસ સોમવારે સવારે રામોસણા અંડરપાસમાં પાણી ભરેલું હોવા છતાં ડ્રાઇવરે અંદર ઉતારી છાત્રોના જીવ જોખમમાં મૂક્યા હતા.

કોલેજની બસ અંડરપાસમાં વચ્ચેના ભાગે પાણીમાં ફસાઇને બંધ પડતાં છાત્રો ગભરાઇ ગયા હતા. કોલેજની બસ પાણીમાં ફસાયાની જાણ થતાં જ કોલેજના પ્રિન્સિપાલ સહિત સ્થળ પર દોડી આવી ક્રેઇન મગાવીને બસને બહાર કાઢી હતી.

જ્યારે છાત્રોને બીજી બસમાં વડનગર રવાના કરાયા હતા. અંડરપાસમાં પાણી હોઇ મૂકેલા બેરીકેટ હટાવીને બસ અંદર ઉતારતાં ડ્રાઇવરની બેદરકારી છતી થઇ હતી.

લાયન્સ હોસ્પિટલ નર્સિંગ કોલેજના સેમેસ્ટર 4 અને 5ની 30 છાત્રા અને 10 છાત્રો સોમવારે સવારે 7 વાગે કોલેજની બસમાં વડનગર સિવિલ હોસ્પિટલ જવા નીકળ્યા હતા. બસ દૂધસાગર ડેરી તરફથી રામોસણા અંડરપાસ પહોંચી હતી. અહીં પાણી ભરેલું હોઇ મૂકેલા બેરીકેટ હટાવી ડ્રાઇવરે બસ અંડરપાસમાં ઉતારતાં વચ્ચે ઢીંચણ સમા પાણીમાં ફસાઇને બંધ પડી હતી.

ડેરી સાઇડ પાણી ન દેખાતું ન હતું, પરંતુ વળાંકમાં વચ્ચેના ભાગમાં ભરેલું હતું અને ત્યાં જ બસ બંધ પડતાં કોલેજમાં જાણ કરતાં આચાર્ય ર્ડા.જયેશ પાટીદાર સહિત દોડી આવ્યા હતા. અંડરપાસમાં પગદંડી મારફતે કેટલાક લોકો બસ સુધી પહોંચ્યા હતા અને કેટલાક છાત્રોને ત્યાંથી બહાર કાઢ્યા હતા.