Gujarat

મોરા ફળિયા નજીક રસ્તા પર વન્યપ્રાણીઓ દેખાતાં સ્થાનિકોમાં ભય, પાંજરું મૂકવાની કાર્યવાહી શરૂ

તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામના મોરા ફળિયા નજીક દીપડી તેના બચ્ચાઓ સાથે નજરે પડતાં સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. રસ્તાની બાજુમાં દીપડી અને તેના બચ્ચાઓ દેખાતાં વન વિભાગે તાત્કાલિક પગલાં લેવાનું શરૂ કર્યું છે.

અધિકારીઓએ આ વિસ્તારમાં પાંજરું મૂકવાની તજવીજ હાથ ધરી છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, દીપડી સાથે બે કરતાં વધુ બચ્ચાઓ હોવાનું અનુમાન છે. આ ઘટનાને સ્થાનિક બાઈક ચાલક યુવકોએ મોબાઈલમાં વીડિયો કેદ કરી લીધો હતો.

વન્યપ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં આવી જતાં સ્થાનિક રહીશોમાં ચિંતા વધી છે. વન વિભાગના અધિકારીઓએ લોકોને સાવચેત રહેવા અને દીપડી કે તેના બચ્ચાઓને જોતાં તરત જ વન વિભાગને જાણ કરવા અપીલ કરી છે. વિભાગે જણાવ્યું છે કે દીપડી અને તેના બચ્ચાઓને સુરક્ષિત રીતે પકડવા માટે યોગ્ય પગલાં લેવામાં આવશે. આ વિસ્તારમાં પેટ્રોલિંગ પણ વધારવામાં આવ્યું છે.