સુરતના ઉધનામાં વાહનચેકીંગમાંથી પકડાયેલા 1500 કરોડના સાયબર ફ્રોડ રેકેટમાં સાયબર સ્લેવરી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. મલેશિયાના કુઆલાઅમ્પરના આઈટીસીટીમાં ચાઈનીઝ ગેંગ દ્વારા આ રેકેટ ચલાવવામાં આવી રહ્યું છે. મલેશિયા વર્ક પરમીટ પર ગયેલા લોકોની વર્ક પરમીટ પૂરી થઈ જાય અથવા ટુરીસ્ટ વિઝા પર ગયા હોય અને ત્યાં નોકરી કરતા હોય તેવા લોકોને આ ગેંગ કીડનેપ કરી લે છે અને પોતાના સાયબર ફ્રોડ માટે શરૂ કરેલા કોલ સેન્ટરમાં ભારતીયોને ટાર્ગેટ બનાવવા માટે રાખી લીધા હોવાની વિગતો બહાર આવી છે.
ઉધનાના રેકેટમાં મલેશિયામાં જે ગેંગ ઓપરેટ કરી રહી છે તેમાં પંજાબ-હરિયાણાના 15 લોકો આ સ્લેવરીમાં ફસાયા હોવાની ચોંકાવનારી વિગતો પોલીસ તપાસમાં બહાર આવી છે. ભારતીય દલાલો જ આવા લોકોને ફસાવવા માટે ચાઈનીઝ ગેંગ સાથે કામ કરી રહ્યાં હોવાનું પોલીસની માનવું છે.
જે લોકો ફસાયા છે તેમાં પણ ત્રણ નામ આ રેકેટમાં ખૂલ્યા છે. મલેશિયાની રીચ-પે નામની કંપનીના માલિક જેફરી અને લુસીકર આ રેકેટ ચલાવતા હોવાનું તપાસમાં ખૂલ્યું છે.ઉધના પોલીસે પકડેલા રેકેટમાં ચાઈનીઝ ગેંગે રાખેલા ભારતીયો દ્વારા ટેલીગ્રામ પર બેન્ક એકાઉન્ટ જોઈએ છે તેની એડ કરવા માટે રાખ્યા હતા. સુરતના મુખ્ય સુત્રધાર કિરાતે દિલ્હીથી ટ્રેનીંગ લીધા પછી તે ટેલીગ્રામ થકી મલેશિયાની રીચ-પે નામની કંપનીના સંપર્કમાં આવ્યો હતો. સાયબર ફ્રોડમાં ઉપયોગમાં લેવા માટે બેંક ખાતાની ટેલીગ્રામ પર ડિમાન્ડ થતા જ તેણે પ્રત્યેક એકાઉન્ટ પેટે 17 લાખમાં ડીલ કરી હતી.
આ પછી કિરાત, તેના મિત્ર દિવ્યેશ ચકરાણી અને તેની બહેન વૃંદાએ ભેગા મળી સુરતમાં આરબીએલ બેન્કના ડેપ્યુટી મેનેજર સહિત 8 કર્મચારીઓની સંડોવણીથી 89 ખાતા ઉપરાંત અન્ય બે બેંક મળી કુલ 165 ખાતા ખોલ્યા હતા જેના નેટબેન્કીંગના આઈ.ડી, પાસવર્ડ અને યુપીઆઈ સર્વિસ જનરેટ કરી મલેશિયાની રીચ-પે નામની કંપનીને આપ્યા હતા.
ત્યાં બંધક બનાવી દેવાયેલા ભારતીયોને રોલ અહીં પૂરો થઈ ગયો અને ત્યારબાદ કિરાતે પૂરા પાડેલા દરેક બેંક ખાતામાં સાયબર ફ્રોડના ટ્રાન્ઝેકશન ચાઈનીઝ ગેંગ દ્વારા કરવામાં આવ્યા હતા.

