‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ની ત્રીજી સિઝનને દર્શકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. નવજોત સિંહ સિદ્ધુની વાપસીએ શોમાં ચાર ચાંદ લગાવી દીધા છે. તેવામાં ફેન્સે નોટિસ કર્યું છે કે, શોમાંથી કોમેડિયન રાજીવ ઠાકુર ગાયબ છે.
તાજેતરમાં રાજીવે આ અંગે ખુલાસો આપતા કહ્યું હતું કે, તે આ નવી સિઝનનો ભાગ નથી, શોના ટૂંકા ગાળાના કારણે તેને પૂરતી સ્ક્રીન સ્પેસ મળતી ન હોવાનું જણાવ્યું હતું. તેમજ મજાક કરતા કહ્યું હતું કે, ‘કોઈપણ વ્યક્તિ આવડા મોટા શોમાંથી વિરામ ન જ લે, દેખીતી રીતે તમને કાઢી નાખવામાં આવ્યા હશે.’
તાજેતરમાં પિંકવિલા (એન્ટરટેઇનમેન્ટ વેબસાઇટ) સાથેની વાતચીતમાં કોમેડિયન રાજીવ ઠાકુરે શોમાં તેની ગેરહાજરીનું કારણ સ્પષ્ટ કર્યું હતું. તેણે કહ્યું, ‘તારીખો મેળ ખાતી ન હતી. તેઓ મને બોલાવી રહ્યા હતા, પણ મેં અગાઉથી કેટલીક કમિટમેન્ટ આપી દીધી હતી, જે હું તોડી શકું તેમ નથી. ઉપરાંત તેમને ખૂબ ટૂંકા સમય, 55 મિનિટમાં આખો શો પૂરો કરવાનો છે, અને એ 55 મિનિટમાં કૃષ્ણા અભિષેક, સુનિલ ગ્રોવર, કપિલ, એ બધાને તેમની સ્કીટ રજૂ કરવાની હોય છે.
સાથે જ શોના મહેમાનો સાથે વાતચીત તો ખરી જ. તે લોકોને 55 મિનિટમાં ઘણું બધું કરવાનું હોય છે અને તેના કારણે શોમાં મારા માટે સ્પેસ ખૂબ ઓછી હતી, જેથી મને ન્યાય કરવો શક્ય નહોતો.’
જ્યારે રાજીવને પૂછવામાં આવ્યું કે, એક એક્ટર અને કોમેડિયન માટે પોતાની જાત પર જ મજાક કરવી કેટલું જરૂરી હોય છે. રાજીવે જવાબ આપ્યો કે, ‘કોમેડી સર્કસ નામના શો દરમિયાન તેની જોડી બાળ કલાકાર સલોની દૈની સાથે બની હતી.
કારણ કે સલોની બાળક હતી, તો મને તેના પર જોક્સ કરવાનું યોગ્ય ન લાગ્યું, જેથી મેં સલોનીને મારી મજાક ઉડાવવા માટે કહ્યું. દર્શકો સલોનીના જોક્સ પર હસી રહ્યા હતા પરંતુ મને એક ચોક્કસ દૃષ્ટિકોણથી જોવા લાગ્યા હતા, જેની મારા કરિયર પર અસર પડી.

