જામનગર ગ્રામ્ય વિસ્તારના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (DYSP) રાજેન્દ્ર દેવધાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરવામાં આવ્યો છે. ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ખાતે યોજાયેલા ચંદ્રક અલંકરણ સમારોહમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ સમારોહમાં પોલીસ દળમાં કર્તવ્ય નિષ્ઠાથી ઉત્કૃષ્ઠ ફરજો બજાવવા માટે ગુજરાત પોલીસના 118 અધિકારીઓ અને કર્મચારીઓને રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતા.DYSP રાજેન્દ્ર દેવધા જામનગર ગ્રામ્ય વિસ્તારમાં કડક અધિકારી તરીકેની છાપ ધરાવે છે. તેમના કાર્યકાળ દરમિયાન અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. તેમની આગેવાની હેઠળ ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવવાની કાર્યવાહી પણ કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચંદ્રક મેળવનાર સૌ પોલીસ અધિકારી-કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું કે સમગ્ર પોલીસ દળની ફરજ નિષ્ઠા અને કર્તવ્ય ભાવનાથી શાંતિ, સલામતી અને સુરક્ષા સાથે ગુજરાત દેશના વિકાસનું રોલ મોડલ બની શક્યું છે.
મુખ્યમંત્રીએ ચંદ્રક મેળવનારા પોલીસ કર્મીઓના પરિવારજનોને પણ અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું કે પોલીસની કપરી ફરજો બજાવવા માટે પરિવારનો સહયોગ અને સહકાર પણ એટલો જ જરૂરી છે.

તેમણે ઉમેર્યું કે પોલીસ એટલે પ્રજાનો રક્ષક અને જાન-માલનો પહેરેદાર એ સહજ ભાવ સમાજમાં વણાઈ ગયો છે. લોકોમાં પોલીસ પ્રત્યે ભરોસો અને અપાર વિશ્વાસ છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે સમાજને રંજાડનારા તત્વો અને ગુનાહિત માનસિકતા વાળા લોકોને પોલીસનો ડર રહે તેવો રૂઆબ અને રૂતબો પોલીસ વરદીનો હોવો જોઈએ.

તેમણે વધુમાં ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોલીસ બેડામાં તાલીમ અને પ્રશિક્ષણની આખી તાસીર બદલીને નવા પડકારોને પહોંચી વળે તેવા આધુનિક અને સ્માર્ટ પોલિસીંગનો વિચાર આપ્યો છે.DYSP રાજેન્દ્ર દેવધાને મળેલા રાષ્ટ્રપતિ ચંદ્રકથી સમગ્ર જામનગર જિલ્લા પોલીસમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ છે.

