Gujarat

જામનગરમાં કરોડોની GSTએ કરચોરીમાં 20થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા

જામનગરમાં કરોડો રૂપિયાના બોગસ બિલિંગ અને જીએસટી (GST) કરચોરીના સંગઠિત નેટવર્ક સામે રાજ્ય વેરા વિભાગે અત્યાર સુધીનું સૌથી મોટું મેગા ઓપરેશન હાથ ધર્યું છે. આ કાર્યવાહી અંતર્ગત 20થી વધુ સ્થળોએ એકસાથે દરોડા પાડવામાં આવ્યા છે. જીએસટી વિભાગનો કાયદાકીય સકંજો કસાતા જ બ્રાસ સિટીના વેપારી આલમમાં ભારે ફફડાટ ફેલાયો છે અને કૌભાંડના મુખ્ય સૂત્રધારો ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

આ કૌભાંડમાં સંડોવાયેલા તત્વો સામે કડક કાર્યવાહીના ભાગરૂપે જીએસટી વિભાગ દ્વારા 5 પેઢીઓના સંચાલકોની કરોડોની મિલકતો જપ્ત (ટાંચમાં) કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

રાજ્ય વેરા વિભાગ દ્વારા જે પેઢીઓ અને તેના માલિકો સામે સકંજો કસવામાં આવ્યો છે:

દેવ ઇમ્પેક્ષ: પ્રફુલ સંઘાણી સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

રિધમ મેટલ: રાહુલ નાગજી વસોયાની માલિકીનો ઔદ્યોગિક શેડ વિભાગ દ્વારા જપ્ત કરાયો છે.

શ્રી રામ મેટલ: હાર્દિક ઓધવજી ગઢીયાની દરેડ શિવમ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ખાતે આવેલી અંદાજે 1 કરોડ રૂપિયાની મિલકત (ઔદ્યોગિક શેડ) જપ્ત કરવામાં આવી છે. આરોપી હાલ ફરાર છે.

એન્જલ એન્ટરપ્રાઇઝ: સુરેશ વસોયાની ચંદ્રાગા ગામમાં આવેલી વાડી તેમજ મકાન જપ્ત કરવામાં આવ્યા છે.

ખોડલ એન્ટરપ્રાઇઝ: મયંક જેંતીલાલ ગઢીયાની મિલકતો અંગે હાલ જીએસટી વિભાગ દ્વારા ઝીણવટભરી તપાસ ચલાવવામાં આવી રહી છે.