Gujarat

જામનગરમાં વેગનઆર કારમાંથી 101 દારૂની બોટલ જપ્ત

જામનગર સિટી-એ ડિવિઝન પોલીસે ઠેબા ચોકડી રોડ નજીકથી એક વેગનઆર કારમાંથી ₹56,500ની કિંમતની 101 વિદેશી દારૂની બોટલ જપ્ત કરી છે. પોલીસે કાર અને મોબાઈલ ફોન સહિત કુલ ₹5,71,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. જોકે, પોલીસને જોઈને કારચાલક ફરાર થઈ ગયો હતો, જેની શોધખોળ ચાલી રહી છે.

પોલીસને બાતમી મળી હતી કે ઠેબા ચોકડી રોડથી રાધિકા સ્કૂલ નજીક એક સફેદ વેગનઆર કારમાં દારૂનો જથ્થો રાખવામાં આવ્યો છે. આ બાતમીના આધારે સિટી-એ ડિવિઝન સર્વેલન્સ ટીમના વિજયભાઈ કાનાણી, યોગેન્દ્રસિંહ સોઢા અને રવિરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી. પોલીસને જોઈને કારચાલક કાર મૂકીને ભાગી ગયો હતો.

પોલીસે GJ-23-BD-9734 નંબરની વેગનઆર કારને આંતરીને તલાશી લીધી હતી. તેમાંથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની 101 સીલબંધ બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹56,500 છે. આ ઉપરાંત, ₹15,000નો એક મોબાઈલ ફોન અને ₹5,00,000ની કિંમતની મારૂતિ સુઝુકી વેગનઆર કાર પણ જપ્ત કરવામાં આવી હતી. પોલીસે નાસી છૂટેલા આરોપી આનંદ ઉર્ફે બાડો નાનજીભાઈ ભદ્રા (રહે. ભાનુશાળી પરા, બાળકોના સ્મશાન નજીક, જામનગર) નામના બુટલેગરની શોધખોળ શરૂ કરી છે.