Gujarat

પાક સંરક્ષણના પ્રાકૃતિક ઉપાયો અને કપાસની સફળ ખેતી માટે ખેડૂતો માટે ખાસ માર્ગદર્શન

પાક સંરક્ષણના પ્રાકૃતિક ઉપાયો અને કપાસની સફળ ખેતી માટે
ખેડૂતો માટે ખાસ માર્ગદર્શન

ભારતની કૃષિ અર્થવ્યવસ્થામાં કપાસનું એક મુખ્ય સ્થાન છે, જેને “સફેદ સોનું” પણ કહેવામાં આવે છે. પ્રાકૃતિક ખેતી તરફ વળવું એ ખેડૂતો માટે એક ક્રાંતિકારી પગલું છે, પરંતુ શરૂઆતમાં કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને, જમીનમાં સેન્દ્રિય કાર્બન ઓછો હોવાથી પાક પર રોગ અને જીવાત આવી શકે છે. તો ચાલો જાણીએ, આ પરિસ્થિતિમાં રાસાયણિક દવાઓનો ઉપયોગ કર્યા વગર, કઈ રીતે ઘરગથ્થુ ઉપચારથી પાકનું રક્ષણ કેવી રીતે કરવું.
નવા ખેડૂતો માટે પડકારો અને તેના નિવારણ
શરૂઆતમાં પ્રાકૃતિક ખેતીમાં આવતા ખેડૂતોને પાક પર રોગ-જીવાતનો હુમલો વધારે જોવા મળી શકે છે. આના નિયંત્રણ માટે, ખેડૂતો નિમાસ્ત્ર, સૂંઠાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અને અગ્નિઅસ્ત્ર જેવા પ્રાકૃતિક જંતુરોધકોનો ઉપયોગ કરી શકે છે. આ જંતુરોધકો બનાવવા માટે, લીમડો, ધતુરો, આંકડો, ગળો, અને સીતાફળી જેવી વનસ્પતિઓને ગૌમૂત્રમાં ભેળવીને ઉપયોગ કરી શકાય છે. ૧૫-૨૦ લિટર પાણીમાં ૨ લિટર આ મિશ્રણ ઉમેરીને છંટકાવ કરવાથી જીવાતનું નિયંત્રણ થાય છે.
આ ઉપરાંત, મહિના જૂની ખાટી છાશને પાણીમાં ભેળવીને છંટકાવ કરવાથી પાકમાં થતા ફૂગજન્ય રોગો પણ નિયંત્રિત કરી શકાય છે. આ પ્રાકૃતિક છંટકાવ પાકને મજબૂતી પણ આપે છે.
કપાસની પ્રાકૃતિક ખેતી માટે કપાસનું મબલખ ઉત્પાદન મેળવવા માટે નીચેના પગલાં અનુસરવા જોઈએ:
જમીનની તૈયારી: કપાસની વાવણી પહેલાં કઠોળ પાક લેવો ખૂબ ફાયદાકારક છે. પ્રથમ વર્ષે પ્રતિ એકર ૮૦૦-૧૦૦૦ કિલોગ્રામ ઘનજીવામૃત જમીનમાં ફેલાવવું. જમીનમાં ચાસ અને ગાદી બનાવીને વાવણી કરવી.
વાવણી: કપાસની સાથે મગના બે બીજને ભેળવીને વાવણી કરવી. કપાસના અંકુર ફૂટ્યા બાદ મગના છોડને તોડી નાખવા.
સહજીવી પાકો: કપાસની સાથે મકાઈ, ચોળા, ગલગોટા, ગાજર, મૂળા, પાલક, મેથી, અને ધાણા જેવા સહજીવી પાકોની ખેતી કરવાથી વધારાનું ઉત્પાદન મળી શકે છે.
પિયત: પિયત આપતી વખતે પ્રતિ એકર ૨૦૦ લિટર જીવામૃત પાણી સાથે આપવાથી ફાયદો થાય છે. ડ્રીપ ઇરીગેશનનો ઉપયોગ કરવાથી પાણીની બચત થાય છે.
જમીનમાં સેન્દ્રિય કાર્બનનું પ્રમાણ ૧.૦થી વધુ થતાં રોગ અને જીવાત આવતા બંધ થઈ જાય છે, જેનાથી કોઈ પણ પ્રકારના જંતુનાશક દવાઓની જરૂર રહેતી નથી.આમ, પ્રાકૃતિક ખેતી અપનાવીને ખેડૂતો ઓછા ખર્ચે મબલખ ઉત્પાદન મેળવી શકે છે અને તેમની જમીનની ફળદ્રુપતા પણ જાળવી શકે છે. આ પદ્ધતિ પર્યાવરણને પણ લાભદાયી છે.
રીપોતર :- ઝેની શેખ

IMG-20251027-WA0025.jpg