કમોસમી વરસાદમાં પશુપાલકો માટે રાહતના સમાચાર
હાલ રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતો અને પશુપાલકોને થયેલા ભારે નુકસાનને ધ્યાનમાં રાખીને, પંચમહાલ ડેરીએ પશુપાલકો માટે એક મોટી રાહતની જાહેરાત કરી છે. પશુઓને ખવડાવવામાં આવતા પંચામૃત દાણના ભાવમાં પ્રતિકિલો દીઠ એક રૂપિયાનો ઘટાડો કરવાનો મહત્ત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે.
જિલ્લાના મોરવા (રેણાં) વિસ્તારમાં ખેડૂતો સાથે પાક નુક્સાની અંગે એક બેઠક યોજાઈ હતી. જેમાં ખેડૂતો અને પશુપાલકોની રજૂઆત બાદ પંચમહાલ ડેરીના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે આ જાહેરાત કરી હતી.
ઘાસચારાના નુકસાનને ધ્યાનમાં લેવાયો ર્નિણય
કમોસમી વરસાદના કારણે માત્ર ખેતીના પાકને જ નહીં, પરંતુ પશુઓના ઘાસચારાને પણ વ્યાપક નુકસાન થયું છે. આ પરિસ્થિતિને ધ્યાને લઈને, પંચમહાલ ડેરી સંચાલિત પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના પશુપાલકો પાસેથી હવે પંચામૃત દાણના ભાવમાં પ્રતિકિલો દીઠ એક રૂપિયો ઓછો લેવામાં આવશે.
આ બાબતે મીડિયા સુત્રો થકી મળતી માહિતી અનુસાર, આ ભાવ ઘટાડાનો લાભ એકાદ-બે મહિના સુધી ત્રણેય જિલ્લાના હજારો પશુપાલકોને મળશે. દાણના ભાવમાં કરાયેલા આ ઘટાડાની જાહેરાતને પગલે પંચમહાલ, દાહોદ અને મહીસાગર એમ ત્રણેય જિલ્લાના હજારો પશુપાલકોને મળશે રાહત મળશે. આ ર્નિણયથી આર્થિક બોજ હેઠળ દબાયેલા પશુપાલકોને મોટો ટેકો મળશે.

