દિલ્હીમાં કારમાં થયેલા વિસ્ફોટ બાદ જામનગર જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. તકેદારીના ભાગરૂપે પોલીસ દ્વારા શહેર અને જિલ્લાના વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે.

પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચના મુજબ, લાલપુર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભા, જામનગર શહેર અને ગ્રામ્ય વિભાગના નાયબ અધિક્ષક જયવીરસિંહ ઝાલા અને રાજેન્દ્ર દેવધાએ આ કાર્યવાહીનું નેતૃત્વ કર્યું. LCB, SOG અને જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના સ્ટાફને આ કામગીરીમાં જોડવામાં આવ્યા છે.

આ ચેકિંગમાં વાઈટલ ઇન્સ્ટોલેશન, બંદર, જેટી, હોટલો, તેમજ ધાર્મિક સ્થળોનો સમાવેશ થાય છે. ખાસ કરીને, બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન જેવા જાહેર સ્થળોએ બોમ્બ ડિસ્પોઝલ ડોગ સ્ક્વોડ (BDDS) ટીમ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી હતી.

શહેરના મુખ્ય પ્રવેશદ્વારો પર આવતા-જતા વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત, એસટી બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન અને ઐતિહાસિક બાલા હનુમાન મંદિર જેવા ધાર્મિક સ્થળોએ પોલીસ પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવ્યું છે.

