દિલ્હીમાં થયેલા કાર બોમ્બ વિસ્ફોટ બાદ ગોધરા રેલવે સ્ટેશન પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. રેલવે પોલીસની GRP અને RPF ટીમો દ્વારા સ્ટેશન વિસ્તારમાં વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં ડોગ સ્ક્વોડની ટીમને પણ જોડવામાં આવી હતી.

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે મેટ્રો સ્ટેશન નજીક એક કારમાં થયેલા બોમ્બ વિસ્ફોટથી દેશભરમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે કોઈ આતંકવાદી ઘટના ન બને અથવા અસામાજિક તત્વો દ્વારા તોડફોડનું કૃત્ય ન થાય તે હેતુથી ગુજરાતના મહત્વના સ્થળોએ પણ સુરક્ષા વધારવામાં આવી છે.

આ સુરક્ષા પગલાંના ભાગરૂપે, ગોધરા રેલવે પોલીસે પ્લેટફોર્મ પર મુસાફરોના સામાનની તપાસ કરી હતી. રેલવે સ્ટેશન વિસ્તારની આસપાસના વાહનોનું પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા હતા.

