ગુજરાત ATSએ ઝડપેલા 3 આતંકવાદીની પૂછપરછમાં મોટા ઘટસ્ફોટ થયા છે. આતંકવાદીઓએ અમદાવાદના નરોડામાં ફ્રૂટ્સ માર્કેટ આજુબાજુના વિસ્તારની રેકી કરી હતી. આ ઉપરાંત મુખ્ય ટાર્ગેટ લખનઉનું RSS મુખ્ય કાર્યાલય હતું, એની પણ રેકી કરવામાં આવી હતી. તેમણે દિલ્હીના આઝાદ મેદાન આજુબાજુના વિસ્તારોની પણ રેકી કરી એના ફોટા અને વીડિયો પણ કેપ્ચર કર્યા હતા. આ અંગે હાલ ATSની ટીમ તપાસ કરી રહી છે.
ATS ના DySP શંકર ચૌધરી અને કે. કે. પટેલને બાતમી મળી હતી કે હૈદરાબાદથી એક આતંકવાદી અમદાવાદમાં હથિયારો કલેક્ટ કરવા આવ્યો છે, જેથી ટીમ કામે લાગી હતી અને અડાલજ ટોલનાકા પાસેથી પ્લાન બનાવી ગાંધીનગર પોલીસની મદદથી હૈદરાબાદથી આવેલા આતંકવાદી ડો. એહમદ મોહ્યુદ્દીન સૈયદને ઝડપી લીધો હતો.
તેની ગાડીમાંથી ત્રણ વિદેશી ઓટોમેટિક ગન અને 30 કારતૂસ મળી હતી. તેને હથિયાર આપવા માટે આવેલા ઉત્તરપ્રદેશના બે આતંકવાદી સુહેલ અને આઝાદ સુલેમાનને પણ પોલીસે પાલનપુરથી ઝડપી લીધા હતા. હાલ તમામ આતંકવાદીઓની ATS પૂછપરછ કરી રહી છે.
આતંકીઓની પૂછપરછમાં સામે આવ્યું કે આતંકી ડો. મોહ્યુદ્દીન દોઢેક મહિના પહેલાં પણ અમદાવાદ આવ્યો હતો અને એક પાર્સલમાં રૂપિયા લઇને પરત ગયો હતો. મોહ્યુદ્દીન માટે હનુમાન ગઢથી હથિયાર લઇને આવેલા ઉત્તરપ્રદેશના સુહેલ તથા આઝાદ સુલેમાનને ચોક્કસ જગ્યાએથી હથિયાર કલેક્ટ કરીને કલોલ પહોંચવાનો આદેશ મળ્યો હતો.
હથિયાર જે-તે સ્થળે કોણે મૂક્યાં હતાં? એની તપાસ ચાલે છે. પ્રાથમિક તપાસમાં તપાસ એજન્સી એવા તારણ પર પહોંચી છે કે હનુમાન ગઢ પાકિસ્તાની બોર્ડર સાથે જોડાયેલો જિલ્લો છે, જેને પગલે ડ્રોનથી હથિયાર બોર્ડર ક્રોસ કરાવીને મોકલ્યાં હતાં, જ્યાંથી આતંકવાદીઓના માણસે એ હથિયારો ચોક્કસ જગ્યાએ મુકાવ્યાં હતાં.

