અમરેલી ડેપોની અમરેલી-હનુમાન ખીજડિયા (વગડીયો) રૂટની એસટી બસનો નાઈટ હોલ્ટ ફરીથી તેના મૂળ સ્થળ હનુમાન ખીજડિયા ખાતે શરૂ કરવામાં આવ્યો છે. ગ્રામ્ય વિસ્તાર માટે જીવાદોરી સમાન આ રૂટ પર નાઈટ હોલ્ટમાં ફેરફાર થવાથી મુસાફરોને પડી રહેલી મુશ્કેલીનો અંત આવ્યો છે. ધારાસભ્ય કૌશિક વેકરીયાની ત્વરિત રજૂઆતને પગલે માત્ર એક જ દિવસમાં આ સમસ્યાનું નિરાકરણ આવ્યું હતું.
અગાઉ આ બસનો નાઈટ હોલ્ટ હનુમાન ખીજડિયા ખાતે થતો હતો. પરંતુ તાજેતરમાં તેમાં ફેરફાર કરીને અનિડા ગામે કરવામાં આવ્યો હતો. આ ફેરફારને કારણે રાત્રિના સમયે અને સવારમાં બસ પકડવા માટે લોકોને અનિડા સુધી જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો, જેનાથી દૈનિક અવર-જવર ખોરવાઈ ગઈ હતી.
એટલું જ નહીં, આ રૂટમાં આવતા કેટલાક ગામડાઓમાં બસના રૂટ બંધ કરી દેવાયા હોવાથી તે ગામોના લોકોને પણ હાલાકી વેઠવી પડી રહી હતી. સ્થાનિક લોકો અને મુસાફરોની આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં લઈને, વડિયા કુંકાવાવ તાલુકા ભાજપના મહામંત્રી શૈલેષ ઠુમરને આ અંગેની રજૂઆત કરવામાં આવી હતી.
શ્રી ઠુમરે તાત્કાલિક અસરથી આ સમગ્ર મામલાની ગંભીરતાથી નોંધ લીધી અને અમરેલીના ધારાસભ્ય શ્રી કૌશિક વેકરીયાને ટેલીફોનિક વાતચીત કરીને આ સમસ્યાનું નિરાકરણ લાવવા વિનંતી કરી હતી.
જનતાની મુશ્કેલી અંગેની રજૂઆત મળતાં જ ધારાસભ્ય શ્રી કૌશિક વેકરીયાએ ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી અને વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. તેમની અસરકારક રજૂઆતને પગલે માત્ર એક જ દિવસમાં આ રૂટની એસટી બસનો નાઈટ હોલ્ટ ફરીથી તેના મૂળ સ્થળ હનુમાન ખીજડિયા ખાતે શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો.

