આજકાલ સાયબર ફ્રોડના બનાવો સતત વધતા રહે છે. મોબાઈલ પર અજાણી લિંક પર ક્લિક કરતા જ બેંકખાતું સાફ થઈ જવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે. આ ઉપરાંત ફોનમાં RTOના ચલણના નામે મોકલેલી APK ફાઈલ અથવા સોશિયલ મીડિયા ગ્રુપમાં ખાસ કરીને શેરમાર્કેટમાં વધુ પ્રોફિટ કરાવવાના નામે લિંક મોકલી સાયબર ફ્રોડ કરવામાં આવે છે. પોલીસે પણ લોકોને આ બાબતે એલર્ટ રહેવા જણાવ્યું છે.
ત્યારે અમરેલી જિલ્લામાં છેલ્લા 11 મહિનામાં સાયબર ક્રાઈમની કેટલી ઘટના બની અને લોકોએ કેટલા રૂપિયા ગુમાવ્યાં તેમજ તેનાથી બચવા માટે લોકોએ કઈ બાબતની તકેદારી રાખવી તે અંગે દિવ્ય ભાસ્કરે SP સંજય ખરાત સાથે ખાસ વાતચીત કરી હતી.
અમેરલી સહિત ગુજરાતમાં સાયબર ફ્રોડના કિસ્સાઓમાં સતત વધારો સમગ્ર દેશ અને ગુજરાતમાં સાયબર ફ્રોડના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. લોકો લોભ-લાલચમાં આવીને વિવિધ પ્રકારની છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે, જેના કારણે લાખો-કરોડો રૂપિયા ગુમાવી રહ્યા છે. અમરેલી જિલ્લામાં છેલ્લા 11 માસ દરમિયાન નોંધાયેલા 1200 કેસમાં કુલ 8 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હતી.
આ ફરિયાદોના આધારે, SP સંજય ખરાતે સાયબર ક્રાઈમની અલગ અલગ ટીમો બનાવી ગુનાઓ ડિટેક્ટ કરવા અને નાણાં પરત અપાવવા માટે કામગીરી શરૂ કરાવી છે. જિલ્લા પોલીસે અત્યાર સુધીમાં ગુમાવેલી રકમના લગભગ 10 ટકા એટલે કે, 70 લાખ રૂપિયા જેટલી રકમ અરજદારોને પરત અપાવવામાં સફળતા મેળવી છે. અત્યાર સુધીમાં 42 જેટલી રૂબરૂ ફરિયાદો પણ પોલીસ દ્વારા નોંધવામાં આવી છે.

