તાજેતરમાં જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાનગરપાલિકાના કમિશનરો અને મેયર સાથે વીડિયો કોન્ફરન્સથી બેઠક કરીને શહેરના તમામ રોડ રસ્તાઓને ગુણવત્તાયુક્ત બનાવવા માટેની સૂચના આપી હતી. મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના રોડ રસ્તાની કામગીરીને લઈને ઝડપ દેખાડવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા રોડ બનાવવાની કામગીરીમાં જાતે નિરીક્ષણ કરી ગુણવત્તાયુક્ત રોડ બનાવવા તેમજ બાકી રહેલા રોડ 31 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવા માટેની કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને સૂચના આપી છે.

મ્યુનિસિપલ કમિશનરે સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું મ્યુનિસિપલ કમિશનરે દક્ષિણ–પશ્ચિમ ઝોનના જોધપુર વોર્ડ વિસ્તારમાં, એસ.જી. હાઇવે પાસે આવેલા નિર્વાણા પાર્ટી પ્લોટથી સરદાર પટેલ રિંગ રોડ તરફ તાજેતરમાં ખોલવામાં આવેલા 30 મીટર પહોળા નવા માર્ગ પર ચાલી રહેલી હોટ મિક્સ રોડ સરફેસિંગ કામગીરીનું સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું હતું. હોટ મિક્સ રોડ વર્કની કામગીરી દરમિયાન કમિશનરે સેન્સર પેવરથી રોડના યોગ્ય કેમ્બરની તપાસ, હોટમિક્સ મટિરિયલનું માનક તાપમાન જળવાય છે કે નહીં તેની ચકાસણી, તેમજ અન્ય મહત્વના ટેક્નિકલ પરિબળોની સમીક્ષા કરી હતી.

ગુણવત્તાનાં દરેક ધોરણોનું પાલન સુનિશ્ચિત કરવા સ્પષ્ટ સૂચના આપી કમિશનરે સ્થળ પર હાજર ઇજનેરો અને અધિકારીઓને શહેરમાં ચાલતા રોડના કામો દિવસ અને રાત ચાલુ રાખવા તેમજ ગુણવત્તાનાં દરેક ધોરણોનું પાલન સુનિશ્ચિત કરવા સ્પષ્ટ સૂચનાઓ આપી છે. રોડ બનાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેમાં તાપમાન એક વખત સેટ કર્યા બાદ આધુનિક મશીન દ્વારા કામગીરી થતી હોય છે જેથી તમામ બાબતો ઉપર નિરીક્ષણ કરીને સૂચના આપવામાં આવી છે. કોન્ટ્રાક્ટરો પોતાના કામો ગુણવત્તા યુક્ત કરે અને ફિલ્ડમાં રહી તેના ઉપર ધ્યાન રાખે તેવી પણ સૂચના અધિકારીઓને આપી હતી.

