જામનગર નજીકના વસઈ ગામે એક મહાજન વિધવા મહિલાની કરોડો રૂપિયાની ખેતીની જમીન હડપી લેવા માટે દસ્તાવેજી પ્રક્રિયા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ પ્રકરણમાં રાજકોટ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના બે વ્યક્તિઓ તેમજ એક વકીલની સંડોવણી હોવાનો પોલીસ ફરિયાદમાં આરોપ છે. પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જામનગર તાલુકાના વસઈ ગામે રહેતા રંજનબેન નરશીભાઈ સુમરીયા નામની વિધવા મહિલાએ પોતાની જમીન પચાવી પાડવાના પ્રયાસ અંગે સવદાસભાઈ અરજણભાઈ ચાવડા (રહે, રાજકોટ), કિશોરભાઈ હેમગર ગુસાઈ (રહે, ટીંબડી), પૂંજાભાઈ કારુભાઈ કરમુર (રહે, બેરાજા, તા. ખંભાળિયા) અને રણછોડભાઈ નરશીભાઈ પરસાણા (વકીલ) સામે સિક્કા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ-336(2), 337(3), 338, 340(2), 61(2)(એ) મુજબ ફરિયાદ નોંધાવી છે.
સિક્કા પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ફરિયાદી મહિલા અભણ અને એકલવાયું જીવન ગુજારતા હોવાનો ફાયદો ઉઠાવી આરોપીઓએ પૂર્વયોજિત કાવતરું રચ્યું હતું. ફરિયાદીની વસઈ ગામની ખેતીની જમીન, ખાતા નં-895, જૂના રે.સ.નં-177/2, નવા રે.સ.નં-318, જે 1-35-31 હેક્ટર વિસ્તારમાં આવેલી છે અને જેની વર્તમાન બજાર કિંમત આશરે દસ કરોડ રૂપિયા ગણાય છે, તે પચાવી પાડવાનો પ્રયાસ કરાયો હતો.
આરોપીઓએ મહિલાના નામે એક ખોટો વેચાણ કરાર તૈયાર કર્યો હતો. તેમાં તેમના નામે ખોટા અંગૂઠાનું નિશાન કરી, ખોટી ઓળખ અને સાક્ષી પુરાવા રજૂ કર્યા હતા. આ ખોટા વેચાણ કરારને સાચો સાબિત કરવા માટે ખોટી વેચાણ કરારની નોટિસ આપી નામદાર સિવિલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

