Gujarat

સીમા સુરક્ષા અને જાગૃતિ માટે ADGPના માર્ગદર્શન હેઠળ ડ્રાઇવ

ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં તકેદારીના ભાગરૂપે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડ્રાઇવનો મુખ્ય હેતુ સીમા સુરક્ષા અને લોક જાગૃતિ કેળવવાનો છે. મરીન ટાસ્ક ફોર્સના ADGP અમિત વિશ્વકર્મા, IGP પી. એલ. માલ અને S.P. એસ.જે. પરમારના માર્ગદર્શન હેઠળ આ સૂચનાઓ આપવામાં આવી હતી. જેના અનુસંધાને જખૌ સેક્ટરમાં DYSP આર.એમ. ચૌધરીના નેતૃત્વમાં મરીન કમાન્ડો ટીમે સઘન કોમ્બિંગ હાથ ધર્યું છે.

આ ડ્રાઇવ અંતર્ગત સાંઘી વિસ્તાર સહિત વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું. શંકાસ્પદ બોટો, ગ્રામ્ય વિસ્તારો અને જેટી વિસ્તારોમાં પણ સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ગ્રામજનો સાથે શંકાસ્પદ વ્યક્તિઓ, શંકાસ્પદ બોટો અને ડ્રગ્સ જેવા કેફી પદાર્થોની હેરાફેરી જેવા ગંભીર વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. તેમને કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ અંગે જરૂરી મદદ કરવા અને જાણ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી.