સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે એક એવા સાયબર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે જેમાં આરોપીઓ પોતાના ક્રેડિટ કાર્ડના લાખો રૂપિયાના દેવા ભરવા માટે સીનિયર સિટિઝન્સને ટાર્ગેટ કરતા હતા. સુરતના અલગ-અલગ વિસ્તારોમાંથી કુલ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેઓ ટેકનોલોજીનો દુરુપયોગ કરી નિર્દોષ વૃદ્ધોના બેંક ખાતા અને ક્રેડિટ કાર્ડમાંથી નાણાં સેરવી લેતા હતા.
આ કૌભાંડનો મુખ્ય હેતુ આરોપીઓના અંગત મોજશોખ અને ક્રેડિટ કાર્ડના બિલોની ચૂકવણી કરવાનો હતો. પકડાયેલા આરોપીઓ રૂ. 6 થી 7 લાખની તોતિંગ લિમિટ ધરાવતા ક્રેડિટ કાર્ડ રાખતા અને તેના પર બેફામ ખર્ચ કરતા હતા. જ્યારે આ બિલો ભરવા માટે તેમની પાસે નાણાંની સગવડ નહોતી, ત્યારે તેઓએ સીનિયર સિટિઝન્સને શિકાર બનાવવાનું કાવતરું ઘડ્યું હતું.
RTO CHALLAN નામની APK ફાઇલ મોકલતા આરોપીઓ સીનિયર સિટિઝન્સને “RTO CHALLAN” નામની એક જોખમી APK ફાઇલ મોકલતા હતા. ખાસ કરીને નિવૃત્ત જીવન જીવતા વૃદ્ધોને ટાર્ગેટ કરવામાં આવતા હતા કારણ કે તેઓ ટેકનોલોજીથી વધુ વાકેફ હોતા નથી. જેવી વ્યક્તિ આ ફાઇલ પર ક્લિક કરે, કે તરત જ તેમનો આખો મોબાઈલ ફોન હેક થઈ જતો અને તમામ વિગતો આરોપીઓ પાસે પહોંચી જતી હતી.
ક્રેડિટ કાર્ડ મારફતે કુલ રૂ. 16,49,961 ઉપાડી લેવામાં આવ્યા તામિલનાડુના કોઈમ્બતુરના એક નિવૃત્ત વૃદ્ધ આ ટોળકીનો ભોગ બન્યા હતા. આરોપીઓએ તેમના મોબાઈલ ફોનમાં APK ફાઇલ મોકલીને તેમનો ડેટા એક્સેસ કરી લીધો હતો. ત્યારબાદ, વૃદ્ધના ઇન્ડસઇન્ડ બેંકના ખાતામાં રહેલી FDના નાણાંનો ઉપયોગ કરી અલગ-અલગ ક્રેડિટ કાર્ડ મારફતે કુલ રૂ. 16,49,961 ઉપાડી લેવામાં આવ્યા હતા.
ક્રેડિટ કાર્ડમાં નાણાં ટ્રાન્સફર કરાવવા માટે 2% કમિશનની લાલચ આપતા ક્રાઈમ બ્રાન્ચના એસીપી કિરણ મોદીના જણાવ્યા અનુસાર, આરોપીઓ પોતાના સાગરીતોને ક્રેડિટ કાર્ડમાં નાણાં ટ્રાન્સફર કરાવવા માટે 2% કમિશનની લાલચ આપતા હતા. આ રીતે મેળવેલા નાણાંથી તેઓ પોતાના ક્રેડિટ કાર્ડના બાકી લેણાં ચૂકવતા અને લક્ઝરી લાઈફસ્ટાઈલ જાળવી રાખતા હતા. સુરતની મોબાઈલ સ્નેચિંગ સ્કોડની ટીમે ટેકનિકલ સર્વેલન્સ દ્વારા આ આખી ગેંગને ટ્રેક કરી હતી.

