આગામી ૨૬ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ ૭૭મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી નવીન વાવ-થરાદ ખાતે યોજાશે. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગરીમામય ઉપસ્થિતિ આપશે. આ મહત્ત્વપૂર્ણ ઉજવણીને સફળ બનાવવા માટે વાવ-થરાદ જિલ્લામાં વ્યાપક આયોજન અને વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. આ સંદર્ભે, વાવ-થરાદ જિલ્લાના પ્રભારી સચિવ નાગરાજનના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, થરાદ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન વિવિધ વિભાગો અને કચેરીઓને સોંપવામાં આવેલી કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠકમાં કાર્યક્રમ સ્થળની તૈયારી, મંચ વ્યવસ્થા, પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો, આમંત્રિત મહેમાનોની બેઠક વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ, પાર્કિંગ, સ્વચ્છતા, પીવાના પાણી, વીજ પુરવઠો, આરોગ્ય સેવાઓ, ફાયર અને સલામતી વ્યવસ્થાઓ, કાયદો અને વ્યવસ્થા તેમજ મીડિયા અને પ્રસાર વ્યવસ્થાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. પ્રભારી સચિવ નાગરાજને તમામ સંબંધિત વિભાગોને પરસ્પર સંકલન સાથે કામગીરી સમયસર પૂર્ણ કરવાની સૂચના આપી હતી.
તેમણે રાજ્યકક્ષાની ઉજવણી અનુરૂપ દરેક વ્યવસ્થા ગુણવત્તાપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો. સાથે જ, ઉજવણી દરમિયાન જનસુવિધા અને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાધાન્ય આપવા માર્ગદર્શન આપ્યું હતું.

