શહેરના વિવિધ વિસ્તારોમાં વડોદરા ગેસ લિમિટેડ દ્વારા પગલા ભરવામાં આવ્યા હતા જેમાં બાકી ગેસ બિલોની વસુલાત માટે ચેકિંગ અને સઘન રિકવરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ કામગીરીમાં કારેલીબાગ પોલીસ બંદોબસ્ત સાથે તા. ૩૧ જાન્યુઆરીએ ઘીકાંટા રોડ, સૈયદપુરા, લાલજીકુઈ, મચ્છીપીઠ સહિતના વિસ્તારોમાં સ્થળ વિઝીટ કરી ૯૦ બાકીદાર ગ્રાહકો પાસેથી કુલ રૂ. ૧૦,૭૯,૮૯૧ની વસુલાત કરવામાં આવી હતી. આ સાથે રૂ. ૩૪,૭૦,૮૫૫ની બાકી રકમ ધરાવતા ૩૭ ગ્રાહકોના ગેસ કનેક્શન બંધ કરવામાં આવ્યા હતા.
છેલ્લા ત્રણ દિવસ દરમિયાન નાગરવાડા, મચ્છીપીઠ, બારોટ મહોલ્લો, નવાબવાડા સહિતના વિસ્તારોમાં કાર્યવાહી કરી બાકી બિલોની કુલ રૂ. ૨૬,૨૨,૬૨૯ની વસુલાત કરવામાં આવી હતી. આ દરમિયાન રૂ. ૮૩,૩૬,૭૪૧ની બાકી રકમ ધરાવતા ૧૨૫ ગ્રાહકોના કનેક્શન બંધ કરાયા હતા.
આમ, જાન્યુઆરી મહિના દરમિયાન સીટી, નવાપુરા અને કારેલીબાગ પોલીસ સ્ટેશન હદમાં આવેલા વિસ્તારોમાં વીજીએલ દ્વારા કુલ ૧,૦૨૫ ગ્રાહકોની વિઝીટ કરી ૫૪૦ ગ્રાહકો પાસેથી રૂ. ૭૯,૩૫,૦૬૮ની વસુલાત કરવામાં આવી હતી. ઉપરાંત રૂ. ૨,૬૨,૦૮,૦૩૯ની બાકી રકમ ધરાવતા ૪૮૫ બાકીદાર ગ્રાહકોના ગેસ કનેક્શન બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

