Gujarat

જામનગર શાકમાર્કેટમાં રિક્ષામાંથી મહિલાનો મૃતદેહ મળ્યો

જામનગર શહેરના શાક માર્કેટ વિસ્તારમાં આજે એક ઓટો રિક્ષામાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

બનાવની જાણ થતાં જ સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ નિકુંજસિંહ ચાવડા સહિતનો પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો.

પોલીસે સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી મૃતદેહનો કબજો લીધો હતો અને પોસ્ટમોર્ટમ (પી.એમ.) માટે મોકલી આપ્યો હતો. હાલ મહિલાની ઓળખ અને મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે.

પ્રાથમિક માહિતી મુજબ, મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય તથ્યોના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવને પગલે આસપાસના વેપારીઓ અને લોકોના ટોળા ઘટનાસ્થળે એકત્રિત થયા હતા. પોલીસે લોકોને અફવાઓથી દૂર રહેવા અને તપાસમાં સહકાર આપવા અપીલ કરી છે.