ચોટીલાના નાયબ કલેકટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણાએ ચોટીલા શહેરમાં આવેલી સત્યજીવન સાર્વજનિક હોસ્પિટલના સોનોગ્રાફી મશીનનો નોંધણી પરવાનો કાયમી ધોરણે રદ કરવાનો આદેશ કર્યો છે. આ ઉપરાંત, હોસ્પિટલના બંને સંચાલકો તેમજ બંને ડોકટરો વિરુદ્ધ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ (JMFC) ચોટીલાની કોર્ટમાં કમ્પ્લેન કેસ (CC) દાખલ કરવા માટે મામલતદાર ચોટીલાને અધિકૃત કરવામાં આવ્યા છે.

આ કાર્યવાહી ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ નાયબ કલેકટર એચ.ટી. મકવાણા દ્વારા Pre-Conception and Pre-Natal Diagnostic Techniques (PCPNDT) Act 1994ની કલમ ૩૦ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નોટિફિકેશન ક્રમાંક GP-15-PNDT-102011-933.B-1થી મળેલ સત્તાની રૂએ કરવામાં આવેલી આકસ્મિક તપાસને પગલે કરવામાં આવી હતી. તપાસ દરમિયાન હોસ્પિટલમાં અનેક ગેરરીતિઓ સામે આવતા સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યું હતું.

