Gujarat

છોટા ઉદેપુરમાં ‘ભંગુરિયા મેળા‘ સાથે થયો હોળીના પર્વનો પ્રારંભ

આદિવાસી સમાજનો મોટો તહેવાર ગણાતા હોળી પહેલા યોજાતા ભંગુરિયો મેળાથી લઈને ચુલના મેળા અને ત્યાર બાદ ૧૫ દિવસ સુધી ચાલતા ગેરના મેળા આદિવાસી સમાજમાં ઉત્સાહ અને પરંપરાનો અનોખો મેળાપ જાેવા મળે છે. રવિવારે (પહેલી માર્ચ) છોટા ઉદેપુર ખાતે ભવ્ય ભંગુરિયો મેળો યોજાયો, જેમાં હજારોની સંખ્યામાં લોકો જાેડાયા. આ રીતે ભંગુરિયો મેળા સાથે હોળીના પર્વની શરૂઆત થઈ ચૂકી છે. અને આગામી દિવસોમાં ચુલ અને ગેરના મેળાઓ સાથે સમગ્ર વિસ્તાર ઉત્સવમય બનશે.

હોળી પૂર્વે હાટ બજારોમાં યોજાતા ભંગુરિયો મેળા આદિવાસી સંસ્કૃતિનું જીવંત પ્રતિબિંબ છે. ઢોલ-નગારાના તાલે યુવાનો અને વડીલો રંગબેરંગી પરંપરાગત વેશભૂષામાં ઉમંગભેર નાચતા જાેવા મળ્યા. હોળી માટેની ખરીદી સાથે સાથે આ મેળા સામાજિક મિલન અને આનંદનો અવસર પણ બની રહે છે. અલગ અલગ વિસ્તારોમાં રહેતા લોકો જ્યાં પણ રહેતા હોય તે ભંગુરિયો મેળો યોજાય ત્યાં ભેગા થતા હોય છે. આ મેળાને નિહાળવા માટે દેશ ભારમાં તો ઠીક વિદેશ માંથી પણ લોકો અહીં આવતા હોય છે, જે આદિવાસી લોકોની પરંપરા અને મેળાઓને નિહાળી પ્રભાવિત બનતા હોય છે.

ભંગુરિયો મેળા બાદ હોળી પ્રગટાવી ચૂલના મેળા અને ત્યારબાદ ગેરના મેળા ૧૫ દિવસ સુધી વિવિધ ગામોમાં ઉજવાય છે. આ દરમિયાન આદિવાસી સમાજ પોતાના લોકનૃત્ય, ગીતો અને અનોખી પરંપરાઓ દ્વારા સાંસ્કૃતિક વારસાને જીવંત રાખે છે. દરેક ગામમાં ઉત્સવમય માહોલ છવાઈ જાય છે.

ભંગુરીયા મેળામાં સાંસદ જશુભાઈ રાઠવા ખાસ હાજર રહ્યા. તેઓ ભાજપના જિલ્લા પ્રમુખ અને કાર્યકરો સાથે ઢોલના તાલે નાચતા જાેવા મળ્યા. મેળામાં ઉપસ્થિત લોકોએ તેમને ખભા પર બેસાડી ઉત્સાહપૂર્વક નચાવ્યા, જે મેળાનો મુખ્ય આકર્ષણ કેન્દ્ર બન્યું હતું.