Gujarat

ઇરાન-ઇઝરાયલ તણાવથી ડ્રાયફ્રૂટ્સના ભાવમાં ૩૦% સુધી વધારો

ઇરાન–અમેરિકા–ઇઝરાયલ વચ્ચે વધતા જિયોપોલિટિકલ તણાવની અસર ગુજરાતના ડ્રાયફ્રૂટ્સ બજારમાં સ્પષ્ટ દેખાવા લાગી છે. હોર્મુઝ સ્ટ્રેટ વિસ્તારમાં સર્જાયેલા શિપિંગ અવરોધને કારણે ભારતની આયાત પ્રક્રિયા ધીમી પડી છે, જેના પરિણામે અમદાવાદ સહિતના બજારોમાં છેલ્લા થોડા દિવસોમાં ૨૦ થી ૩૦ ટકા સુધીનો ભાવ વધારો નોંધાયો છે.ભારત દર વર્ષે અંદાજે ૪.૫ અબજ ડોલરના ડ્રાય ફ્રુટ્સ આયાત કરે છે.

પિસ્તા, મામરા બદામ, અંજીર, ખુબાની અને ખજૂર જેવા ઉત્પાદનોમાં ઇરાન, અફઘાનિસ્તાન અને ગલ્ફ દેશોનો મોટો હિસ્સો છે. ખાસ કરીને પ્રીમિયમ પિસ્તા અને મામરા બદામ માટે ઇરાન પર ભારતનો મોટો આધાર છે.મેરિટાઇમ સર્ક્યુલેશન મુજબ હોર્મુઝ વિસ્તારમાં શિપિંગ ગતિવિધિ નોંધપાત્ર રીતે ધીમી પડી છે. વેપારીઓ માને છે કે હાલ સમર ડિમાન્ડ સાયકલ શરૂ થવાને કારણે બજારમાં ભારે ગભરાટ નથી. ઓગસ્ટથી દિવાળી સુધીનો સમય ડ્રાય ફ્રુટ્સ માટે પિક સિઝન ગણાય છે, એપ્રિલથી જુલાઈ સુધી માંગ સ્વાભાવિક રીતે ઘટતી હોય છે.

અમદાવાદથી ૧૦થી વધુ પ્રોડકટની ગલ્ફ દેશોમાં નિકાસ

અમદાવાદમાંથી ઇરાન સહિત ગલ્ફના દેશોમાં ફાર્મા પ્રોડક્ટનો કાચો માલ, દવાઓ, ઓટોમોબાઈલ પાર્ટસ, એન્જિનન અને ફેક્ટરીના મશીનરીના સ્પેરપાર્ટ્સ અને સ્માર્ટફોનના પાર્ટ્સ પણ મોટા પાયે નિકાસ થાય છે. ચોખા અને ખાંડ જેવી વસ્તુઓ પણ નિકાસ થાય છે. અમદાવાદ ૫૦થી વધુ દેશોમાં નિકાસ કરે છે. ૨૦૨૪-૨૫માં અમદાવાદમાંથી તમામ દેશોમાં કુલ ૮૫ હજાર કરોડ રૂપિયાની નિકાસ કરવામાં આવી હતી.

ઈરાનથી આવતા પિસ્તા, મામરા બદામના ભાવ રૂ.૪૦૦થી ૧ હજાર સુધી વધી ગયા

પ્રોડક્ટ વર્ષ ૨૦૨૪-૨૫ (ભાવ રૂ. માં) માર્ચ-૨૦૨૬ (ભાવ રૂ. માં)

મામરા બદામ ૧૫૦૦ થી ૧૮૦૦ ૨૮૦૦

પિસ્તા ૮૦૦ થી ૯૦૦ ૧૩૦૦

ઝરદાલું ૩૦૦ થી ૫૦૦ ૧૪૦૦

અંજીર – ૧૫% થી ૫૦%

ખજૂર – ૨૦% થી ૩૦%

હાલ બજારમાં ગભરાવાની જરૂર નથી

ટ્રેડ નિષ્ણાત હિરેન ગાંધી મુજબ, હાલ બજારમાં ગભરાટની જરૂર નથી, પરંતુ સતત મોનિટરિંગ જરૂરી છે. તેઓ કહે છે કે,જાે સંઘર્ષ ટૂંકા ગાળાનો રહેશે તો બજાર સ્થિર થઈ શકે છે. પરંતુ શિપિંગ વિક્ષેપ મે–જૂન સુધી ચાલે તો દિવાળી પહેલાં મોટો ભાવ ઉછાળો અચૂક બની શકે છે.