સુરેન્દ્રનગરના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય હુકમ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વઢવાણ અને સુરેન્દ્રનગર વિસ્તારના કુલ 668 લાભાર્થીઓને ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય’, ‘નિરાધાર વૃદ્ધ’ અને ‘દિવ્યાંગ સહાય યોજના’ હેઠળ મંજૂરી પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમને સંબોધતા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગરના ઇતિહાસમાં આ કદાચ પ્રથમ પ્રસંગ છે, જ્યાં એક જ શહેરના 668 જેટલા લાભાર્થીઓને શોધી, તેમના ફોર્મ ભરાવીને એક જ સ્થળેથી સહાયના હુકમો આપવામાં આવ્યા હોય. તેમણે આ પ્રક્રિયાને માત્ર સરકારી કાર્યક્રમ નહીં, પણ સંવેદનશીલતાનો યજ્ઞ ગણાવ્યો હતો.

લાભાર્થીઓની આંકડાકીય વિગતો આપતાં મકવાણાએ ઉમેર્યું હતું કે, આજે 197 ગંગા સ્વરૂપા બહેનોને સહાય, 16 લાભાર્થીઓને રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના હેઠળ રૂ. 20,000ના ચેક અને 445 નિરાધાર વૃદ્ધો તથા દિવ્યાંગોને માસિક રૂ. 1,000ની સહાય મંજૂર કરવામાં આવી છે.તેમણે વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિન સરકાર હંમેશા છેવાડાના માનવીની પડખે રહી છે.

પહેલાં ગંભીર બીમારીના સમયે ઘરના દાગીના કે જમીન ગિરવે મૂકવી પડતી હતી, પરંતુ હવે આયુષ્માન કાર્ડ દ્વારા રૂ. 10 લાખ સુધીની મફત સારવાર નિશ્ચિત કરવામાં આવી છે. આ ઉપરાંત, કોરોના કાળથી શરૂ થયેલી મફત અનાજની યોજના આગામી પાંચ વર્ષ સુધી ચાલુ રહેશે અને જે બહેનો પાસે NFSA કાર્ડ નથી, તેમને પણ વહીવટી તંત્ર દ્વારા કાર્ડ કઢાવી આપવાની ખાતરી આપવામાં આવી છે.

