સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફરી એકવાર ડોક્યુમેન્ટ ફ્રોડનો મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોર્ટુગલની નકલી નાગરિકતા અને બોગસ પાસપોર્ટના આધારે ભારત આવેલા અમરેલીના એક શખ્સને ડુમસ પોલીસે ઝડપી પાડ્યો હતો. આરોપીએ વિદેશમાં સેટલ થવા માટે પોતાની ઓળખ બદલી ‘કાલ્પેશકુમાર’ નામે દસ્તાવેજો બનાવ્યા હતા, પરંતુ ઈમિગ્રેશન અધિકારીઓની તપાસમાં તેનો ભાંડો ફૂટી ગયો હતો.
ઓળખ બદલીને વિદેશમાં સેટલ થવાનું મોટું કૌભાંડ મૂળ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના કમી કેરાળા ગામના વતની અને હાલ સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા 49 વર્ષીય ભાવેશભાઈ ધીરુભાઈ બોરડની આ મામલે ધરપકડ કરવામાં આવી છે.
તપાસમાં બહાર આવ્યું છે કે, ભાવેશભાઈએ પોર્ટુગલ જવા માટે અને ત્યાંની નાગરિકતા મેળવવા માટે ‘બામણિયા કલ્પેશકુમાર રતિલાલ’ (BAMANIA KALPESHKUMAR RATILAL) તરીકેનું ખોટું નામ ધારણ કર્યું હતું. આ માટે તેણે બોગસ દસ્તાવેજો અને કિંમતી જામીનગીરીઓ પણ ઊભી કરી હતી.
કેવી રીતે ફૂટ્યો ભાંડો? એરપોર્ટ પર તપાસ દરમિયાન સતર્કતા ઘટનાની વિગત મુજબ, આરોપી ગત તારીખ 2 માર્ચ, 2026 પહેલા કોઈપણ સમયે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના ફર્સ્ટ ફ્લોર પર આવેલા ઇન્ટરનેશનલ અરાઈવલ એરિયામાં પહોંચ્યો હતો.
અહીં ઈમિગ્રેશન ઓફિસ ખાતે જ્યારે તેના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી, ત્યારે અધિકારીઓને શંકા ગઈ હતી. સઘન તપાસ દરમિયાન માલૂમ પડ્યું કે તેણે પોર્ટુગલની સરકારની કચેરીઓમાં બોગસ દસ્તાવેજો રજૂ કરી ત્યાંની નાગરિકતા મેળવી લીધી હતી અને તેના આધારે મેળવેલ પાસપોર્ટ સંપૂર્ણપણે ગેરકાયદેસર હતો.

