બીજી તરફ વડોદરા નજીક ભીમપુરા ચેકપોસ્ટ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં 25 વર્ષનો યુવક આશિષ વર્મા ડૂબ્યો હતો. ઘટનાની જાણ થતા વડીવાડી ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. એક કલાકની જહેમત મૃતદેહને બહાર કાઢ્યો હતો અને પોસ્ટમોર્ટમ માટે ગોત્રી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.
ત્રીજી ઘટનામાં ઉમેટા મહીસાગર બ્રિજ પાસે મહીસાગર નદીમાં એક અજાણી વ્યક્તિ ડૂબી હતી, જેની જાણ થતાં વડોદરા ફાયર બ્રિગેડની ટીમે તેની શોધખોળ શરૂ કરી છે. જોકે, હજુ સુધી તેનો કોઈ પત્તો લાગ્યો નથી.
સુરતની તાપી નદીમાં નહાવા પડેલા યુવાનો પૈકી બે અલગ-અલગ દુર્ઘટનામાં બે યુવાને જીવ ગુમાવ્યા છે, જ્યારે હજુ પણ એક યુવકની શોધખોળ ચાલુ છે. શહેરના સરથાણા નેચર પાર્કની પાછળ વહેતી તાપી નદીમાં ધૂળેટીની સાંજે ત્રણ યુવકો નહાવા માટે પડ્યા હતા. નદીના ઊંડા પાણીનો અંદાજ ન આવતા ત્રણેય મિત્રો ડૂબવા લાગ્યા હતા. ત્રણ મિત્રોમાંથી એક યુવકને તરતા આવડતું હોવાથી તે મહામુસીબતે બહાર નીકળી ગયો હતો.
બીજી તરફ, મોટા વરાછા વિસ્તારમાં ગોકુલધામ પોલીસ ચોકીની પાછળ આવેલા રિવરવ્યુ એપાર્ટમેન્ટ પાસે પણ આવી જ એક કરુણ ઘટના બની હતી. અહીં પણ તાપી નદીમાં નહાવા પડેલો એક યુવક ડૂબી ગયો હતો. ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચી નદીના ઉંડા પાણીમાં તપાસ હાથ ધરી હતી. શોધખોળ દરમિયાન એક 30 વર્ષીય અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. ફાયર વિભાગે મૃતદેહને બહાર કાઢી જરૂરી કાર્યવાહી બાદ પોલીસને સોંપ્યો છે.
મહીસાગરમાં કંતાર ગામના વતની 4 યુવક ધૂળેટી રમ્યા બાદ કોઠંબા તાલુકાના ધામણીયા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા રાઘવના મુવાડા નાકા તળાવમાં સ્નાન કરવા ઉતર્યા હતા. તળાવના ઊંડા પાણીનો અંદાજ ન આવતા ચારેય યુવક એકાએક ડૂબવા લાગ્યા હતા. સ્થાનિકોએ બચાવ કામગીરી હાથ ધરી તે પહેલા જ ગંભીર સ્થિતિ સર્જાઈ હતી.

