ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આવનારી ચૂંટણીને લઈને રાજકીય પક્ષોમાં ભારે હલચલ જોવા મળી રહી છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ટૂંક સમયમાં ચૂંટણીનું સમયપત્રક જાહેર થાય તેવી શક્યતા વચ્ચે પક્ષોએ ગ્રાઉન્ડ લેવલે તૈયારીઓ તેજ કરી દીધી છે. પરંતુ આ વખતે ચૂંટણી માત્ર રાજકીય જંગ પૂરતી સીમિત નહીં રહે, કારણ કે અનામત અને બેઠકોના રોટેશનના નવા નિયમો સમગ્ર રાજકીય સમીકરણો બદલી શકે છે.
વર્ષોથી જીતતા ઉમેદવારોને સીટ બદલવી પડશે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં OBC અને મહિલાઓ માટે વધારેલા અનામતના અમલથી અનેક બેઠકોની રાજકીય સ્થિતિ બદલાશે. પરિણામે વર્ષોથી એક જ વિસ્તારમાંથી જીતતા કેટલાક સિટિંગ નેતાઓને પોતાની પરંપરાગત સીટ છોડીને નવી જગ્યા શોધવી પડી શકે છે. પક્ષોની અંદર પણ નવા સામાજિક સમીકરણો મુજબ ઉમેદવારો પસંદ કરવાની ચર્ચાઓ તેજ બની છે.
નવા વોર્ડોની રચના અને મતવિસ્તારોમાં પણ ફેરફાર આ સાથે જ રાજ્યમાં નવી બનાવાયેલી મહાનગરપાલિકાઓમાં પ્રથમ વખત ચૂંટણી યોજાવાની હોવાથી રાજકીય પક્ષો માટે આ વિસ્તારો ખાસ મહત્વ ધરાવે છે. નવા વોર્ડોની રચના અને મતવિસ્તારોના ફેરફારોને કારણે સ્થાનિક સ્તરે નવી રાજકીય સ્પર્ધા ઊભી થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.

