ગાંધીનગરના પેથાપુર પોલીસ મથકની હદમાં આવતા ટીંટોડા ગામના એક દંપતીને સંતાન પ્રાપ્તિની ઘેલછામાં અંધશ્રદ્ધાની જાળમાં ફસાવી 20.62 લાખ રૂપિયા પડાવી લેવાનો સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ સમગ્ર મામલે પત્નીના જ સગા કાકા અને અન્ય એક ભુવા સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમો હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ભૂવાએ સંતાન પ્રાપ્તીની લાલચ આપી ને ફસાયા ગાંધીનગરના ટીંટોડા ગામમાં રહેતા 25 વર્ષીય યુવાનના લગ્ન આજથી પાંચેક વર્ષ અગાઉ કોલવડાની યુવતી સાથે સમાજના રીત રીવાજ મુજબ થયા હતાં. લગ્ન બાદ બંન્ને પતિ પત્ની ટીંટોડા ખાતે રહેતા હતાં. જોકે લગ્ન જીવનમાં સંતાન સુખ પ્રાપ્ત નહીં થતા દંપતીએ ઘણા ડોક્ટરોની દવા કરાવી હતી. તેમ છતા પરણિતાને પ્રેગ્નેન્સી રહેતી ન હતી. આથી તેણીના કાકા આનંદજી ધુળાજી ઠાકોર (રહે, ઢોલાવાળો વાસ કોલવડા ) ભુવો હોવાથી પતિ પત્ની તેના ઘરે એકાદ વર્ષથી માતાજીના દર્શન કરવાં જતું હતું.
આ બાબતનો ફાયદો ઉઠાવી કાકાજી સસરા સંતાન પ્રાપ્તીની લાલચ આપી હિંમતનગરના જેતોલ ગામના ભુવા ગેમરભાઈ રબારીનો સંપર્ક કરાવ્યો હતો. એ વખતે ગેમર ભુવાએ બાધા આપી સો ટકા સંતાન પ્રાપ્ત થવાની બાંહેધરી આપી હતી.
ડબ્બામાં ચોખા મુકી તેમાં દાગીના લઈ આવવાનું દંપતીને કહ્યું બાદમાં દંપતી દર રવિવારે સંતાન સુખની આશાએ ગેમર ભુવાને ત્યાં મંદિરે દર્શન કરવા જતા હતાં. તો ભુવો ગેમર દંપતીના ઘરે અવરનવાર પધરામણી કરવા જતો ત્યારે દંપતી પધરામણી પેટે રોકડા રૂ. 10થી 15 હજાર આપતા હતાં. ત્યારે એક દિવસ કાકા સસરા આનંદ ઠાકોરે ગેમરભુવાના કહેવા મુજબ ઘરમાં નડતર હોવાથી વિધિ કરાવાનું કહી એક ડબ્બામાં ચોખા મુકી તેમાં દાગીના લઈ આવવાનું કહ્યું હતું.

