Gujarat

જામનગરમાં પરીણિતાને જૂના પ્રેમીએ ધમકી આપી

જામનગરમાં એક પરણિત મહિલાને તેના દસ વર્ષ જૂના પ્રેમીએ ઘરમાં ઘૂસી લગ્ન કરવા દબાણ કર્યું હતું. આરોપીએ લગ્ન નહીં કરે તો જાનથી મારી નાખવાની અને પોતે પણ આત્મહત્યા કરી લેવાની ધમકી આપી હતી. આ મામલે સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

રણજીતસાગર રોડ પરની એક સોસાયટીમાં રહેતી પરણિત યુવતીએ કલ્યાણપુર તાલુકાના જામ રાવલ ગામના જુનેદ જુસબ ખેરાણી સામે ફરિયાદ નોંધાવી છે. યુવતી પોતાના માતા-પિતાના ઘરે પતિ સાથે આવી હતી ત્યારે આ ઘટના બની હતી.

પોલીસ ફરિયાદ મુજબ, આરોપી જુનેદ અને ફરિયાદી યુવતી દસ વર્ષ પહેલા પ્રેમ સંબંધમાં હતા. જોકે, યુવતીએ કચ્છના આદિપુરના યુવાન સાથે લગ્ન કરી લીધા હતા અને હાલ તેમને આઠ વર્ષનું એક સંતાન પણ છે. તે પોતાના પતિ અને બાળક સાથે કચ્છમાં રહે છે.

ગઈકાલે યુવતી પોતાના માતા-પિતાના ઘરે જામનગર આવી હતી. તે સમયે આરોપી જુનેદ ઘરમાં ઘૂસી આવ્યો હતો. તેણે યુવતીનો હાથ પકડી પોતાની સાથે લગ્ન કરવા દબાણ કર્યું અને ધમકી આપી કે જો તે લગ્ન નહીં કરે તો તેને મારી નાખશે અને પોતે પણ આપઘાત કરી લેશે.