Gujarat

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુંજ્યો સશક્ત મહિલા સંવાદ

ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીનું સ્થાન હંમેશા ઉચ્ચ રહ્યું છે, ત્યારે વર્તમાન સમયમાં મહિલાઓને વધુ સજ્જ કરવાના હેતુથી 09/03/2026, સોમવારના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે એક ભવ્ય ‘મહિલા સંવાદ’નું આયોજન કરવામાં આવ્યું હતું. ‘વિદુષી’ અને ભારતીય શિક્ષણ મંડળના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમનું ઉદઘાટન યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ઉત્પલ જોશીના હસ્તે કરવામાં આવ્યું હતું.

કૌશલ્ય વિકાસમાં જેન્ડર બાધ નથી: ડો. ચંચળબહેન ભારદ્વાજ આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેલા વિશ્વકર્મા સ્કિલ યુનિવર્સિટી (પલવલ, હરિયાણા)ના ડાયરેક્ટર ડો. ચંચળબહેન ભારદ્વાજે મહિલાઓના કૌશલ્ય વિકાસ (Skill Development) પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, કોઈ પણ કાર્ય કે કારકિર્દીમાં જેન્ડર બાધ હોતો નથી. આજે મહિલાઓ મિકેનિકલ કે ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ જેવા ક્ષેત્રોમાં પણ પોતાની આગવી ઓળખ ઉભી કરી રહી છે. મહિલાઓએ પોતાની ક્ષમતા પર વિશ્વાસ રાખી વ્યાવસાયિક કૌશલ્ય કેળવવું અનિવાર્ય છે.

ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલપતિ ડો. અમીબહેન ઉપાધ્યાયે પ્રાસંગિક ઉદબોધન આપતા જણાવ્યું હતું કે, જો આપણે ‘વિકસિત ભારત’નું સપનું સાકાર કરવું હોય, તો તેમાં મહિલાઓનું યોગદાન અત્યંત મહત્વનું છે. પરંતુ આ યોગદાન આપતા પહેલા મહિલાઓએ પોતે શિક્ષિત અને દીક્ષિત થઈ પોતાનો સર્વાંગી વિકાસ કરવો આવશ્યક છે. જ્યારે મહિલા સશક્ત બનશે, ત્યારે જ રાષ્ટ્રની પ્રગતિમાં તેનો ફાળો અસરકારક રહેશે.

કુલપતિનો સંદેશ: સંસ્કાર સિંચનથી સમસ્યાઓનું સમાધાન કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી કુલપતિ પ્રોફે. ઉત્પલ જોશીએ સામાજિક મૂલ્યો વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સમાજની અડધી સમસ્યાઓ ત્યારે જ દૂર થઈ શકે છે જ્યારે કુટુંબમાં બાળકને નાનપણથી જ મહિલાઓ પ્રત્યે આદર અને સન્માન રાખવાના સંસ્કાર આપવામાં આવે. સંસ્કારિત પેઢી જ સ્ત્રીઓને સુરક્ષિત અને સન્માનજનક વાતાવરણ આપી શકે છે.