સુરત ગ્રામ્ય એલ.સી.બી. શાખાએ અનાવલ પોલીસ સ્ટેશન વિસ્તારના કુમકોતર ગામની સીમમાં દરોડો પાડી મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ ₹3.32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે, મુખ્ય આરોપી ઘટનાસ્થળેથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.
પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, એલ.સી.બી. શાખાના અ.હે.કો. નાગજીભાઇ કરશનભાઇ અને તેમની ટીમે કુમકોતર ગામના જામલપાડા ફળીયા દરગાહ રોડ પાસે આવેલા જંગલના ઝાડી-ઝાખરામાં દરોડો પાડ્યો હતો.
આ દરોડા દરમિયાન પોલીસને અલગ-અલગ બ્રાન્ડની વ્હીસ્કી અને બિયરની કુલ 1644 બોટલો મળી આવી હતી, જેની અંદાજિત કિંમત ₹2,82,768/- થાય છે. આ ઉપરાંત, ગુનામાં વપરાયેલ એક એક્સેસ મોપેડ (GJ-19-BD-0392) પણ જપ્ત કરવામાં આવ્યું હતું, જેની કિંમત ₹50,000/- આંકવામાં આવી છે. પોલીસે કુલ ₹3,32,768/- નો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ વિદેશી દારૂનો જથ્થો વગર પાસ-પરમીટે મંગાવનાર મુખ્ય સૂત્રધાર ભાવેશભાઇ અશોકભાઇ પટેલ છે. તે કુમકોતર ગામ, જામલપાડા ફળીયું, તા. અંબિકા, જી. સુરતનો રહેવાસી છે. આરોપી પોલીસને જોઈને ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો.

