Gujarat

જામનગર ડીપી રોડ થાંભલા વાયરલ વીડિયો વિવાદ

જામનગર શહેરના મચ્છરનગરથી પુનિતનગર વિસ્તારમાં બની રહેલા મુખ્ય ડી.પી. રોડ પર વીજળીના થાંભલાને લઈને ઉભા થયેલા વિવાદ અંગે સ્થાનિક આગેવાનો અને તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. રાજ્યમંત્રીના પ્રતિનિધિ મનદીપ સિંહ જાડેજા અને સ્થાનિક કોર્પોરેટર જયરાજસિંહ જાડેજા, જયેન્દ્ર સિંહ ઝાલા અને સ્થાનિક આગેવાનોએ સ્થળ મુલાકાત લઈને જણાવ્યું કે, હાલ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ ચાલુ હોવાથી વીજ પુરવઠો ખોરવાય નહીં તે હેતુથી થાંભલા હટાવવામાં આવ્યા નથી.

તાજેતરમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા આ રોડની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં રોડના કામની વચ્ચે એક વીજળીનો થાંભલો આવતો હોવાનો વીડિયો ઉતારી ‘વિકાસ ગાંડો થયો છે’ તેવા કટાક્ષ સાથે સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. આ વીડિયોને કારણે સ્થાનિકોમાં રોડની ગુણવત્તા અને આયોજન સામે સવાલો ઉભા થયા હતા. વિપક્ષ દ્વારા રોડની વચ્ચે થાંભલા મુદ્દે કરવામાં આવેલા આક્ષેપોને તંત્રએ પાયાવિહોણા ગણાવ્યા છે.

આ વિવાદ બાદ આજે રાજ્યમંત્રીના પ્રતિનિધિ અને વિસ્તારના કોર્પોરેટરે રોડના કામનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે સ્પષ્ટતા કરી હતી કે હાલમાં જે કામ દેખાઈ રહ્યું છે તે માત્ર PCC (પ્લેન સિમેન્ટ કોન્ક્રીટ) નું પ્રાથમિક સ્તર છે. મુખ્ય સીસી રોડનું કામ હજુ બાકી છે.

અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે, બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ, એટલે કે 16 માર્ચ પછી જ વીજ થાંભલાઓ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. ત્યારબાદ 8 ઇંચની ભરાઈ કરીને CC રોડ તૈયાર કરવામાં આવશે. આ નિર્ણય વિદ્યાર્થીઓના અભ્યાસમાં કોઈ અવરોધ ન આવે તે સુનિશ્ચિત કરવા લેવાયો છે.