ગાંધીનગરમાં મેટ્રો રેલ મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધીના પૂર્ણ રૂટ પર કાર્યરત થઇ ગઇ છે હવે મેટ્રોને આનુસંગિક સુવિધા એવી પાર્કિંગ પ્લેસ વિકસાવવાની કામગીરીનો મુદ્દો ત્રણ વિભાગો વચ્ચે ફસાયો છે. જેના કારણે પાર્કિંગની સુવિધા ઉભી કરવાની બાબત અટવાઇ ગઇ છે. આ મામલે મહાનગરપાલિકા દ્વારા સૌથી પહેલા આગેવાની લઇને આયોજન કરાયું હતું પરંતુ માર્ગ અને મકાન વિભાગ અને મેટ્રો તંત્ર દ્વારા પણ પાર્કિંગ પ્લેસ વિકસાવવાની વાત કરી રહ્યા છે. આ મુદ્દે હવે કોણ પાર્કિંગ પ્લેસની સુવિધા નાગરિકોને આપશે તેનો ર્નિણય થયો નથી ત્યાં સુધી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરી પણ અટકી પડી છે. મહાનગરપાલિકાએ તો ટેન્ડર પણ બહાર પાડી દીધું હતું પરંતુ હાલ કામ શરૂ થઇ શક્યું નથી.
ગાંધીનગરથી અમદાવાદ સુધી મોટા પ્રમાણમાં મુસાફરો, વિદ્યાર્થીઓ, કર્મચારીઓ, વેપારી વર્ગ મેટ્રોમાં અવરજવર કરી રહ્યા છે ત્યારે તેમના વાહનોના પાર્કિંગ માટે મેટ્રો સ્ટેશનો પાસે સુવિધા હોવી જરૂરી છે. મેટ્રો તંત્ર દ્વારા આ મામલે સ્ટેશન બનાવ્યા ત્યારે કોઇ આયોજન કરાયું ન હતું. સેક્ટર વિસ્તારમાં આસપાસની જગ્યા માર્ગ અને મકાન વિભાગ હસ્તક છે પરંતુ આ વિભાગે પણ પાર્કિંગની જગ્યા માટે કોઇ આયોજન કર્યું ન હતું.
બીજીતરફ મહાનગરપાલિકાએ આગેવાની લઇ પ્રથમ તબક્કે સેક્ટર-૧ મેટ્રો સ્ટેશન ખાતે પાર્કિંગની સુવિધા માટે મહાનગરપાલિકા દ્વારા ૧.૧૨ કરોડના ટેન્ડર પણ બહાર પાડી દેવામાં આવ્યા હતા. આ કામગીરી પણ શરૂ કરવાની તૈયારી કરી દેવાઇ હતી. પરંતુ હવે માર્ગ અને મકાન વિભાગે પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરવાની તૈયારી બતાવી છે. જમીન તેની હોવાથી અન્ય વિભાગ કશું કરી શકે તેમ નથી. બીજીતરફ મેટ્રો તંત્ર પણ સ્ટેશન આસપાસ પાર્કિંગની સુવિધા માટે પોતે જ તૈયારી કરી રહ્યું છે.
૧૯ સ્થળોએ પાર્કિંગની સુવિધાની જાહેરાત કરાઈ
નાગરિકોને મેટ્રો સ્ટેશનો પર પાર્કિંગની સુવિધા આપવા માટે મહાનગરપાલિકા દ્વારા એક્શન પ્લાન તૈયાર કરીને ૯ મેટ્રો સ્ટેશન પાસે ૧૯ સ્થળોએ ટુ વ્હીલર અને ફોર વ્હીલર મળીને ૨૧૦૦ વાહનો માટે પાર્કિંગની સુવિધા વિક્સાવવાની જાહેરાત કરાઈ હતી.
હાલ એકપણ મેટ્રો સ્ટેશન પર પાર્કિંગની સુવિધા નથી
તપોવન સર્કલથી લઇને મહાત્મા મંદિર સુધીના તમામ મેટ્રો સ્ટેશન પર હાલ પાર્કિંગની કોઇ વ્યવસ્થા નથી. આ માટે આયોજન થયું હતું પરંતુ ત્રણ વિભાગો વચ્ચે મામલો અટવાતા હવે પાર્કિંગ ક્યારે બનશે અને કોણ બનાવશે તે બાબત અનિશ્ચિત બની ગઇ છે.

