Gujarat

ફરિયાદ : ઉછીના રૂપિયા પાછા માગતા લોખંડની પાઇપ અને લાકડાના ધોકા ઉછળ્યા

ગાંધીનગરના દોલારાણા વાસણા ગામમાં મિત્રએ ઉછીના આપેલા ૫૦૦ રૂપિયા પરત માંગતા ઉશ્કેરાયેલા ચાર શખ્સોએ હુમલો કરી એક યુવકનું માથું ફોડી નાખ્યું છે. આ મામલે ચિલોડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ફરિયાદ મુજબ, દોલારાણા વાસણા ગામના ૨૦ વર્ષીય સહદેવસિંહ રાઠોડ અને તેમના મિત્રો બુધવાર સાંજે ગામની ભાગોળે બંટી યાદવની લારી પર પાણીપુરી ખાવા ગયા હતા. આ સમયે ત્યાં હાજર વિશાલ ઠાકોર પાસે સહદેવસિંહના મિત્ર કિશનસિંહે અગાઉ ઉછીના આપેલા ૫૦૦ રૂપિયા પાછા માંગ્યા હતા. પૈસા પાછા માંગતા જ વિશાલ અને તેની સાથેનો વિપુલ ઠાકોર ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળાગાળી કરી ઝપાઝપી કરવા લાગ્યા હતા.

ઝઘડો વધતા સહદેવસિંહ અને તેમના અન્ય મિત્રો કિશનસિંહને છોડાવવા વચ્ચે પડ્યા હતા. તે દરમિયાન સુરજ ઠાકોર અને કરણ ઠાકોર પણ હથિયારો સાથે ત્યાં ધસી આવ્યા હતા. વિશાલે લોખંડની પાઇપ વડે સહદેવસિંહના માથામાં ફટકો માર્યો હતો,જ્યારે વિપુલે મોઢાના ભાગે લાકડાનો ધોકો માર્યો હતો. અન્ય શખ્સોએ ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.

બુમાબુમ થતા ગામના અન્ય લોકો દોડી આવતા હુમલાખોરો ત્યાંથી નાસી છૂટ્યા હતા,લોહીલુહાણ હાલતમાં સહદેવસિંહને તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ચિલોડા પોલીસે આ મામલે વિશાલ ઠાકોર,વિપુલ ઠાકોર, સુરજ ઠાકોર અને કરણ ઠાકોર વિરુદ્ધ રાયોટિંગ અને મારપીટની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.