ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસની સર્વેલન્સ ટીમે ચોક્કસ બાતમીના આધારે ભાઈજીપુરાથી પીડીપીયુ તરફ જતા માર્ગ પર આવેલા લવકુશ રેસીડેન્સી પાસેની ખુલ્લી જગ્યામાં ધમધમતા જુગારધામ પર ત્રાટકી પાંચ જુગારીઓને ૯૦ હજારથી વધુની મત્તા સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જાેકે આ દરોડા દરમ્યાન ત્રણ જુગારીઓ પોલીસને હાથતાળી આપીને અંધારાનો લાભ લઈ નાસી જવામાં સફળ રહ્યા છે.
પોલીસે બાતમીના આધારે જુગારધામ પર દરોડા પાડ્યા
ગાંધીનગરના ભાઇજીપુરાથી ગિફ્ટ સિટી સુધીના આઇકોનિક રોડ પર તાજેતરમાં જ પોલીસે બાઇકર્સ ગેંગ પર ઘોષ બોલાવી દઈ નબીરાઓને કાયદાના પાઠ ભણાવ્યા હતા. ત્યારે અત્રેનો વિસ્તાર એજયુકેશન હબ હોવાથી ઇન્ફોસિટી પીઆઇ વી. આર ખેરે સ્ટાફને સઘન પેટ્રોલિંગ હાથ ધરી દારુ જુગાર અને ખાસ કરીને નાર્કોટિક્સ પ્રવૃતિઓ પર નજર રાખવા સૂચનાઓ આપવામાં આવેલી છે. જે અન્વયે ઇન્ફોસિટી પોલીસ ચોકીના સ્ટાફને ખાનગી રાહે બાતમી મળી હતી કે લવ-કુશ રેસીડેન્સીની બાજુમાં આવેલા કાચા છાપરાઓની પાછળ કેટલાક શખસો એકત્રિત થઈને ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા જ જુગારીઓમાં અફરાતફરી મચી ગઈ હતી.
પોલીસે મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
જાેકે, પોલીસે ભાગવાનો પ્રયાસ કરી રહેલા શખ્સો પૈકી રાજકુમાર રામાભાઈ સલાટ, ટોપજીભાઈ જવાનજી સલાટ, ગુપ્તાજી જગરૂભાઈ સલાટ, મુલતાન જાદુજી મદારી અને સાયર નાગજીભાઈ મદારીને કોર્ડન કરીને પકડી પાડ્યા હતા. પરંતુ ત્રણ જુગારીઓ પોલીસને હાથતાળી આપી અંધારાનો લાભ લઈ નાસી જવામાં રહ્યા હતા. અંગ ઝડતી દરમિયાન કુલ ૧૦,૬૦ ની રોકડ ઉપરાંત જુગારના દાવ પરથી ૭૦,૫૦૦ની મોટી રોકડ રકમ પણ હાથ લાગી હતી. પોલીસે ઘટનાસ્થળેથી ૮૧,૧૦૦ ની કુલ રોકડ, બે મોબાઈલ ફોન જેની કિંમત ૯,૦૦૦, ગંજીપાના અને અન્ય સામગ્રી મળીને કુલ ૯૦,૧૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

