ગઇકાલે અફવા આફત બનતા લોકો જે હાથમાં આવ્યું એ લઇ દોડ્યા; કુકર, બરણી, કેન, ડોલ, કેરબા, ડોલચામાં પેટ્રોલ ભેગું કર્યું
૨૩ માર્ચ રાજ્યમાં એક અફવા ઉડી કે પેટ્રોલ પંપ બંધ થઈ જશે, બસ પછી શું?. ગાંડરિયા પ્રવાહની જેમ પેટ્રોલ પંપ પર વાહન ચાલકોના થપ્પેથપ્પા થવા લાગ્યા. કુકર,બરણી, દૂધનું કેન, ડોલ, બેરલ, કેરબા, ડોલચુ લોકોના હાથમાં જે આવ્યું એ લઈ દોડ્યા અને સમગ્ર ગુજરાતમાં પેટ્રોલ પંપ પર પેનિકની સ્થિતિ સર્જાઈ. સ્થિતિ તો એવી સર્જાઈ કે નોટબંધી અને કોરોનાની યાદો તાજી થઈ ગઈ. અફરાતફરી સર્જાતા રાજ્ય સરકાર પણ એક્ટિવ થઈ અને લોકોને આશ્વાસન આપ્યું કે પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો છે પણ સરકારના આશ્વાસન બાદ પણ લોકોએ ગાંડપણ ચાલું રાખ્યું અને પેટ્રોલ પંપ પર લાંબી લાઇનો લગાવી. ગઇકાલ બાદ આજે રાજ્યમાં પેટ્રોલ પંપ પર સ્થિતિ સામાન્ય જાેવા મળી રહી છે.
ગઇકાલની સ્થિતિએ પેટ્રોલ પંપ પર કોઈ પણ પ્રકારની ભીડ કે અવ્યવસ્થા જાેવા મળતી નથી અને સ્થિતિ કાબૂમાં છે અને લોકોને ખપ પૂરતુ પેટ્રોલ પણ મળી રહ્યું છે. ગઇકાલે ગુજરાતના શહેરો તો ઠીક પણ ગ્રામ્ય વિસ્તારમાં પણ લોકોએ માઝા મૂકી હતી. જબરદસ્ત પેનિકની સ્થિતિ વચ્ચે દિવ્ય ભાસ્કર પણ એક જવાબદાર મીડિયા તરીકે લોકોને અપીલ કરી રહ્યું છે કે રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો છે, તેથી નાગરિકોએ બિનજરૂરી પેટ્રોલ પંપ પર લાઇનો લગાવી જાેઇએ નહીં અને વાહનોમાં ખપ પૂરતુ જ પેટ્રોલ પુરાવવું જાેઇએ.

