ભરૂચ જિલ્લો વિશ્વના મહત્વના કેમિકલ હબ તરીકે ઉભરી રહયો છે ત્યારે આ હબના માધ્યમથી 2 લાખ લોકો રોજગારી મેળવી રહયાં છે. કુલ 1394 જેટલા ઉદ્યોગો, જેમાંથી 45% કેમિકલ યુનિટો સાથે વૈશ્વિક સપ્લાય ચેઇનમાં મજબૂત હાજરી નોંધાઇ છે.
986 મિલિયન અમેરિકન ડોલરથી થી વધુ અમેરિકી નિકાસ અને 23.5% થી વધુ રાષ્ટ્રીય ફાળો સાથે ભરૂચ કેમિકલ કેપિટલ બન્યું છે.
અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા, દહેજ, સાયખા અને વિલાયત જેવા વિકસિત ઔદ્યોગિક ક્લસ્ટર્સના કારણે ભરૂચ જિલ્લો આજે વિશ્વકક્ષાના કેમિકલ ઇકોસિસ્ટમ માટે મહત્વપૂર્ણ કેન્દ્ર બનીગયો છે. નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગ એકમોની વ્યાપક હાજરીને કારણે અહીં અદ્યતન ઉત્પાદનક્ષમતા વિકસેલી છે, જેના પરિણામે આ વિસ્તારને ભારતનું કેમિકલ કેપિટલ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આગામી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ દક્ષિણ ગુજરાત 2026 નું આયોજન સુરત ખાતે થવા જઈ રહ્યું છે. જ્યાં ઉદ્યોગ, વેપાર અને નવીનતાના ક્ષેત્રોમાં કાર્યરતઉદ્યોગસાહસિકો , રોકાણકારો અને નીતિનિર્માતાઓ એકત્રિત થશે. આ મંચ દ્વારા વિસ્તૃત રોકાણ,ટેકનોલોજીકલ સહકાર અને વૈશ્વિક ભાગીદારી માટે નવી તકો ઊભી થશે, જેના પરિણામે રાજ્યના ઉદ્યોગ વિકાસને નવી ગતિ મળશે.

