ગીર ગઢડા તાલુકાના હરમડિયા ગામની રાજાટીંબા સીમમાં ગીર ગઢડા પોલીસ અને SOGની ટીમે સંયુક્ત દરોડો પાડી ગાંજાનું વાવેતર કરતા 67 વર્ષીય ખેડૂતને ઝડપી પાડ્યો છે. પોલીસે ખેતરમાંથી 621 ગ્રામ વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો.
પોલીસને માહિતી મળી હતી કે હરમડિયા ગામના રાજાટીંબા સીમ વિસ્તારમાં રહેતા ધીરુભાઈ રૂખડભાઈ મકવાણા (ઉં.વ. 67) પોતાના ખેતરમાં અન્ય પાકની આડશમાં ગાંજાનું વાવેતર કરી રહ્યા છે. આ માહિતીના આધારે પોલીસે દરોડો પાડી તપાસ કરતા ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે ઘટનાસ્થળેથી ₹31,050ની કિંમતનો 621 ગ્રામ વનસ્પતિજન્ય ગાંજો અને એક મોબાઈલ ફોન સહિત કુલ ₹36,050નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અન્ય પાકની આડશમાં ગાંજાનું વાવેતર કરી, તેની સુકવણી કર્યા બાદ છૂટક વેચાણ કરતો હતો. પોલીસે આ મામલે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

