“ખેડૂતના પરિશ્રમને નમન B-INDIA કૃષિ રત્ન એવોર્ડ 2026
————-
આલેખન : સંજય પંડ્યા ગાંધીનગર
ધરતી માતા માટેનો સંકલ્પ અને સમૃદ્ધ ભવિષ્યની દિશા”તરફ આગળ વધારતો દિવસ એટલે
ગુજરાતના કૃષિ ક્ષેત્રને ગૌરવ અપાવતો એક ઐતિહાસિક, ભાવનાસભર અને પ્રેરણાદાયક પ્રસંગ “કૃષિ રત્ન એવોર્ડ – 2026” B-INDIA (Buletin India Media Pvt. Ltd.) દ્વારા ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યો. આ કાર્યક્રમ માત્ર એવોર્ડ વિતરણ પૂરતો સીમિત નહોતો, પરંતુ ખેડૂતના પરિશ્રમ, સંઘર્ષ અને સિદ્ધિઓને હૃદયપૂર્વક માન આપતો એક ઉત્સવ બની રહ્યો. ગુજરાતના 34 જિલ્લાઓમાંથી પસંદ કરાયેલા પ્રગતિશીલ અને નવીનતાપ્રેમી ખેડૂતોને 12 અલગ-અલગ શ્રેણીઓમાં સન્માનિત કરીને તેમના યોગદાનને ઉજાગર કરવામાં આવ્યું.
25 માર્ચ, 2026ના રોજ અમદાવાદ ખાતે યોજાયેલ આ ભવ્ય સમારોહમાં એક અનોખી ઉર્જા અને ગૌરવની લાગણી જોવા મળી. પ્રસંગ પ્રેસિડેન્સી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યના વિવિધ ખૂણાઓમાંથી આવેલા ખેડૂતો, કૃષિ નિષ્ણાતો, આગેવાનો અને સમાજના અગ્રણીઓએ ભાગ લીધો. આ મંચ માત્ર સન્માન પૂરતો નહોતો, પરંતુ કૃષિના ભવિષ્ય અંગે વિચારવિમર્શ અને નવી દિશા નક્કી કરવાનો પ્રયાસ પણ હતો.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી, જે પ્રકાશ, આશા અને પ્રગતિનું પ્રતિક છે. ત્યારબાદ મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું અને સમગ્ર વાતાવરણમાં એકતા અને ઉત્સાહ છવાઈ ગયો.
B-INDIAના મેનેજિંગ ડિરેક્ટર સિદ્ધાર્થ પટેલે પોતાના હૃદયસ્પર્શી અને લાગણીસભર વક્તવ્યમાં જણાવ્યું કે આ કૃષિ એવોર્ડ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ એક ખેડૂત પુત્રના દિલમાંથી નીકળેલો સંકલ્પ છે. “હું પોતે પણ એક ખેડૂતનો દીકરો છું, અને ધરતી માતાને બચાવવી મારી ફરજ છે,” એમ તેમણે ભાવુક સ્વરે જણાવ્યું. તેમના શબ્દોમાં માત્ર ભાવના નહોતી, પરંતુ ખેડૂત પ્રત્યેનુ ગાઢ સન્માન અને જવાબદારી પણ સ્પષ્ટ દેખાતી હતી.
તેમણે ઉપસ્થિત તમામ મહેમાનોનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે ઈફ્કોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, વાઇસ ચેરમેન બીપીનભાઈ પટેલ, બાબુભાઈ જેબલિયા, ડૉ. નરેન્દ્રભાઈ શાહ, શૈલેષ પરમાર, સંજય પંડ્યા, પારૂલબેન પટેલ સહિત તમામ આગેવાનોના સહયોગ વગર આ આયોજન શક્ય બનતું નહીં. ખાસ કરીને સંજય પંડ્યાએ શરૂઆત થી જ આ વિચારને દિશા આપી અને ત્યારબાદ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી તથા અન્ય નેતાઓના માર્ગદર્શનથી આ આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થયું.
ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય કિસાન મોરચાના મહામંત્રી બાબુભાઈ જેબલિયાએ ખેડૂતોને સંબોધતા એક જાગૃતિમૂલક સંદેશ આપ્યો. તેમણે જણાવ્યું કે આજની રસાયણિક ખેતી જમીનને ઝેરી બનાવી રહી છે અને તે માનવ સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો બની રહી છે. પંજાબના ભટીડા અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વધતા કેન્સરના કેસો આ પરિસ્થિતિની ગંભીરતા દર્શાવે છે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે હવે સમય આવી ગયો છે કે ખેડૂતો પ્રાકૃતિક અને ઓર્ગેનિક ખેતી તરફ મજબૂત પગલું ભરે. સરકાર પણ આ દિશામાં સતત પ્રયત્નશીલ છે અને ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપી રહી છે. “સ્વસ્થ જમીન અને સ્વસ્થ જીવન માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર માર્ગ છે,” એમ તેમણે સ્પષ્ટ કહ્યું. સાથે જ તેમણે મીડિયાને પણ આ અભિયાનમાં સક્રિય ભૂમિકા ભજવવા અપીલ કરી.
ઈફ્કોના વાઇસ ચેરમેન બીપીનભાઈ પટેલે પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે ખેડૂત દેશની આર્થિક અને સામાજિક વ્યવસ્થાનો આધારસ્તંભ છે. તેમણે જણાવ્યું કે સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન નિધિ જેવી યોજનાઓથી ખેડૂતોને સીધી આર્થિક મદદ મળી રહી છે, જે તેમની આવક વધારવામાં અને આત્મનિર્ભર બનવામાં મદદરૂપ છે.
તેમણે ખેડૂતોને નવી ટેક્નોલોજી, વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને ઓર્ગેનિક ખેતી અપનાવવા પ્રેરિત કર્યા. તેમણે જણાવ્યું કે 2047 સુધીમાં ભારતને વિશ્વગુરુ બનાવવા માટે ખેડૂતોની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે અને આ માટે દરેક ખેડૂતને આગળ આવી નવી દિશામાં વિચારવું પડશે.
ઈફ્કોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ પોતાના પ્રેરણાદાયક અને વિચારપ્રેરક વક્તવ્યમાં જણાવ્યું કે આ મંચ માત્ર ભાષણ માટે નહીં પરંતુ સંવાદ માટે છે. તેમણે ખેડૂતોને પોતાના વિચારો નિર્ભયતાથી રજૂ કરવા પ્રોત્સાહિત કર્યા અને જણાવ્યું કે ખેડૂત પોતાની જમીનનો સાચો રક્ષક છે.
તેમણે કહ્યું કે “ખેડૂત પુત્ર ક્યારેય પોતાના બાપદાદાની જમીનને નુકસાન પહોંચાડતો નથી,” તેથી આપણું કર્તવ્ય છે કે આપણે જમીનને વધુ સમૃદ્ધ બનાવીને આગળની પેઢીને સોંપીએ. માત્ર ઉત્પાદન વધારવું પૂરતું નથી, ગુણવત્તા જાળવવી પણ એટલી જ જરૂરી છે અને તે ઓર્ગેનિક ખેતી દ્વારા શક્ય બને છે.
મહાભારતના ઉદાહરણ દ્વારા તેમણે સમજાવ્યું કે સમયસર યોગ્ય પગલું ન લેવાય તો પણ નુકસાનકારક બની શકે છે. આજે જો આપણે જમીન બગડતી અટકાવશું નહીં, તો આવનારી પેઢી માટે ગંભીર પરિણામો સર્જાઈ શકે છે. તેમણે સહકારના મહત્વ પર ભાર મૂક્યો અને કહ્યું કે ખેડૂતો અને વેપારીઓ વચ્ચે મતભેદ ઊભા કરવાના પ્રયાસો ખોટા છે.
દિલીપભાઈએ ખેડૂતોને વૈશ્વિક બજાર તરફ આગળ વધવા પ્રેરિત કરતાં જણાવ્યું કે હવે સમય છે કે આપણે આપણા ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડીને ડોલરના ભાવે વેચવાનો વિચાર કરીએ. તેમણે ઈફ્કો દ્વારા બનાવવામાં આવેલા નેનો યુરીયાની માહિતી આપી, જે જમીન માટે નુકસાનકારક નથી અને આજે વિશ્વના 40થી વધુ દેશોમાં ઉપયોગમાં લેવાઈ રહ્યું છે.
આ સમગ્ર કાર્યક્રમ એક સંદેશ આપી ગયો કે ખેડૂત માત્ર અન્નદાતા નથી, પરંતુ દેશના ભવિષ્યના નિર્માતા છે. તેમને માન આપવું, તેમની સમસ્યાઓ સમજવી અને તેમને યોગ્ય દિશા આપવી એ આપણા સૌની સંયુક્ત જવાબદારી છે.
“કૃષિ રત્ન એવોર્ડ 2026” માત્ર એક સન્માન સમારોહ નહીં, પરંતુ એક પ્રેરણાનું કેન્દ્ર બની રહ્યું, જ્યાંથી દરેક ખેડૂત નવી આશા, નવી ઊર્જા અને નવી દિશા સાથે પોતાના ખેતરમાં પાછો ફર્યો.
આવો, આપણે સૌ મળીને સંકલ્પ કરીએ પ્રાકૃતિક ખેતી અપનાવીને જમીનને બચાવીએ, ખેડૂતને સશક્ત બનાવીએ અને સમૃદ્ધ ભારતનું નિર્માણ કરીએ.
“સશક્ત ખેડૂત સમૃદ્ધ ભારત” એ માત્ર એક નારો નથી, પરંતુ આપણા સૌના સંયુક્ત પ્રયાસોથી સાકાર થનાર એક મહાન સંકલ્પ છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર (પાટણ)




