અમદાવાદ એસઓજી ટીમ દ્વારા વિરાટનગર ચાર રસ્તા પાસેથી 27.600 ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક યુવકની ધરપકડ કરી છે. આરોપી આઠેક માસ પહેલા અજમેરમાં એક વ્યક્તિને ઓળખાણ થયા બાદ તેની પાસેથી ડ્રગ્સ મંગાવતો હતો. બાદમાં શહેરમાં છૂટકમાં વેચાણ શરૂ કર્યુ હતું. એસઓજીની ટીમે ડ્રગ્સ આપનાર બે વ્યક્તિઓની પણ શોધખોળ હાથ ધરી છે.
MD ડ્રગ્સ વેચવા આવેલા યુવકની ધરપકડ જમાલપુરમાં રહેતો અલ્તમસ ઉર્ફે મોહસીન પઠાણ નામનો વ્યક્તિ વિરાટનગર AMC ઓફિસ બહાર ખાણીપીણીની દુકાનો પાસે ડ્રગ્સની વેચવા આવ્યો હોવાની એસઓજીને બાતમી મળી હતી. જે બાદ પોલીસે ત્યાં વોચ ગોઠવીને અલ્તમસ ઉર્ફે મોહસીન પઠાણને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી 27.600 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો કબ્જે કર્યો હતો.
આરોપીની પૂછપરછ દરમિયાન આઠેક મહિના પહેલા તે અજમેર ગયો ત્યારે તેને ફૈયાઝ સાથે મુલાકાત થઇ હતી. તેણે સસ્તામાં ડ્રગ્સની વ્યવસ્થા કરાવી આપી હતી. અલ્તમસે ફૈયાઝને ફોન કરી ડ્રગ્સ મંગાવ્યું હતું, ત્યારે બાબુ નામનો વ્યક્તિ ડ્રગ્સ આપી ગયો હતો. જેથી પોલીસે ફૈયાઝ અને બાબુ સામે ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે.
પીરાણા ડમ્પિંગ સાઈટ પરથી મૃત હાલતમાં ભ્રૂણ મળ્યું શહેરના પિરાણા વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ડમ્પિંગ સાઈટ પરના કચરાના ઢગલાની ટોચ પર અજાણી વ્યક્તિ બાળકનો જન્મ છુપાવવા નવજાત ભ્રુણ ત્યજીને ફરાર થઇ ગયું હતું. આ અંગે દાણીલીમડા પોલીસે અજાણી વ્યક્તિ સામે ગુનો નોધીને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

