Gujarat

રાધનપુરમાં ૪ કરોડના ખર્ચે આહીર સમાજના ભવ્ય શૈક્ષણિક સંકુલનું લોકાર્પણ

રાધનપુરમાં ૪ કરોડના ખર્ચે આહીર સમાજના ભવ્ય શૈક્ષણિક સંકુલનું લોકાર્પણ

શિક્ષણ એ સમાજના વિકાસનો મજબૂત પાયો છે, શૈક્ષણિક સંકુલ નવી તકો ઊભી કરશે: અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી

શિક્ષણથી સમાજનો સર્વાંગી વિકાસ શક્ય, આ સંકુલ વિદ્યાર્થીઓને દિશા આપશે:મંત્રી ત્રિકમભાઈ છાંગા

રાધનપુર ખાતે શ્રી વઢીયાર આહીર કેળવણી મંડળ દ્વારા આશરે ૪ કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત ભવ્ય શૈક્ષણિક સંકુલ સમાજને અર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગના રાજ્ય મંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગા અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડાની વિશેષ ઉપસ્થિતિમાં લોકાર્પણ સમારોહ યોજાયો હતો.
શ્રી વઢીયાર, ચોરાડ અને વાગડ આહીર સમાજ દ્વારા શિક્ષણના વ્યાપને વિસ્તૃત કરવાનો ઉદ્દેશ્ય રાખીને રાધનપુર મુકામે આ શૈક્ષણિક સંકુલનું નિર્માણ સમાજના દાતાશ્રીઓના સહયોગથી કરવામાં આવ્યું છે. આ સંકુલ સમાજના વિદ્યાર્થીઓ માટે ગુણવત્તાસભર શિક્ષણના નવા દ્વાર ખુલશે.

આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રીજવાહરભાઈ ચાવડાએ ૫૧ લાખ રૂપિયાનું દાન આપ્યું હતું અને સમાજને શિક્ષણને સર્વોપરી સ્થાન આપવા અપીલ કરી હતી. ઉપરાંત પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ ૩૧ લાખ રૂપિયાનું દાન આપીને સંસ્થાને પ્રોત્સાહન આપ્યું હતું.
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે શિક્ષણ એ સમાજના વિકાસનો પાયો છે અને આ સંકુલ દ્વારા અનેક વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવાની નવી તકો પ્રાપ્ત થશે. તેમણે મંડળના આ પ્રયત્નને સમાજના વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાવ્યો હતો.
ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે શિક્ષણ એ સમાજના સર્વાંગી વિકાસ માટેનું સૌથી શક્તિશાળી સાધન છે. આ સંકુલના નિર્માણથી વિદ્યાર્થીઓને નવી દિશા અને આગળ વધવાની પ્રેરણા મળશે, જે સમાજને પ્રગતિના માર્ગે દોરી જશે.સમારોહ દરમિયાન સંસ્થા માટે દાન આપનાર દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય લવિંગજી ઠાકોર, ભગાભાઈ બારડ, પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા, પૂર્વ ધારાસભ્ય રાધનપુર રઘુભાઈ દેસાઈ, સમાજના આગેવાનો, યુવાઓ અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર

IMG-20260328-WA0073-6.jpg IMG-20260328-WA0069-5.jpg IMG-20260328-WA0070-4.jpg IMG-20260328-WA0074-3.jpg IMG-20260328-WA0072-2.jpg IMG-20260328-WA0075-1.jpg IMG-20260328-WA0071-0.jpg