રાધનપુર ખાતે નિયમિત દર ગુરૂવારે શરૂ કરાયા પૂજ્ય જલારામ બાપાનાં ભજન- ડીસાના જલારામ ગૌ સત્સંગ મંડળના 117 ભક્તોની પ્રેરણાદાયી હાજરી
પાટણ જિલ્લાના હૃદયસ્થાન સમા રાધનપુર નગરમાં શ્રી રામનવમીના પાવન દિવસે, તા. 26-03-2026, ગુરૂવારથી પૂજ્ય જલારામ બાપાનાં ભજનનું નિયમિત આયોજન દર ગુરૂવારે શરૂ કરવામાં આવ્યું છે. પ્રથમ ગુરૂવારે રાધનપુરના બાલાજી બંગ્લોઝ ખાતે યોજાયેલા ભજન કાર્યક્રમમાં શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ, ડીસાના 117 જલારામ ભક્તોએ પ્રેરણાદાયી હાજરી આપી કાર્યક્રમને ભક્તિમય બનાવ્યો હતો.કાર્યક્રમ દરમિયાન દીપ પ્રાગટ્ય પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી, મહેશભાઈ મુલાણી, રઘુરામભાઈ રણછોડભાઈ ઠક્કર, રાયચંદભાઈ કે. ઠક્કર, નવીનભાઈ એલ. ઠક્કર સહિત અનેક અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ ભજનની ભક્તિરસભરી મોજ માણી હતી.
ડીસાના શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળની ઉત્સાહી, કર્મઠ અને નિષ્ઠાવાન ટીમે બે લક્ઝરી બસ તથા અન્ય ખાનગી વાહનો મારફતે જલારામ મંદિર, ડીસા ખાતે શ્રીરામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરી હતી. ત્યારબાદ મંડળે કુંવારવા આશ્રમ, દેવદરબાર જાગીર મઠ, વરસડા કુળદેવતા મંદિર, દેવ હિમજા માતાજી મંદિર અને સુરભી ગૌશાળા સહિત કુલ છ પવિત્ર ધામોની યાત્રા કરી હતી.આ યાત્રા પૂર્ણ કરીને ભક્તમંડળ જ્યારે રાધનપુરના બાલાજી બંગ્લોઝ ખાતે પહોંચ્યું, ત્યારે ઢબૂકતા ઢોલના નાદ સાથે, કંકુ-તિલક અને ફૂલવર્ષા દ્વારા સૌનું ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. બાલાજી બંગ્લોઝના ભાઈઓ-બહેનોએ વિશેષ મહેનત સાથે ઉપસ્થિત સૌ ભક્તોનું દિલથી સ્વાગત કર્યું હતું.કાર્યક્રમમાં રાધનપુરના મોટી સંખ્યામાં જલારામ ભક્તોએ હાજરી આપતાં સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને જાણે વીરપુરની પવિત્ર ઉપસ્થિતિનો અનુભવ થતો હોય એવો ભાવ સર્જાયો હતો.
આ પ્રસંગે પવન, પ્રકાશ, પાણી, પાથરણું અને સાદા પ્રસાદ આધારિત પૂજ્ય જલારામ બાપાનાં ભજન માટે આગામી ગુરૂવારના યજમાન તરીકે રાયચંદભાઈ કેવળરામ જોબનપુત્રાનું નામ જાહેર કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ભજન સંચાલક ભગવાનભાઈ બંધુએ ગૌસેવા માટે અપીલ કરતાં અંદાજે રૂ. 1,90,000 જેટલી ગૌસેવા એકત્રિત થઈ હતી. આ રકમ સુરભી ગૌશાળા રાધનપુર, જલારામ ગૌશાળા ભાભર, ભીડભંજન ગૌશાળા વારાહી અને રામદેવ ગૌશાળા કોરડા ખાતે અર્પણ કરવાનો પ્રેરણાદાયી નિર્ણય લેવામાં આવ્યો હતો.અદભૂત, ભક્તિમય અને ભાવવિભોર વાતાવરણમાં યોજાયેલા આ કાર્યક્રમથી ઉપસ્થિત સૌએ ભારે રાજીપો વ્યક્ત કર્યો હતો. રાધનપુર નગરમાં પૂજ્ય જલારામ બાપાનાં ભજન આગામી સમયમાં પણ સતત ચાલુ રહે તે માટે 225 ભજનોની નોંધણી કરવામાં આવી હતી.આ સાથે જ જાહેરાત કરવામાં આવી હતી કે, રાધનપુર ખાતે પૂજ્ય જલારામ બાપાનાં ભજનને એક વર્ષ પૂર્ણ થતાં ‘મહા ગુરૂવાર’ની ભવ્ય ઉજવણી પણ રંગેચંગે કરવામાં આવશે.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર




