જામનગર જિલ્લા જેલમાં ગઈકાલે જેલ સ્ટાફ દ્વારા કરવામાં આવેલા સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન એક સીમકાર્ડ વગરનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો. આ મામલે અજાણ્યા કેદી સામે સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
આ બનાવની વિગત મુજબ, જિલ્લા જેલના ઇન્ચાર્જ ડ્યુટી જેલર અમિતભાઈ એમ. પીઠડીયા અને તેમની ટીમે જેલ અધિક્ષક પી.પી. પટેલની મૌખિક સૂચનાથી ગઈકાલે સવારે જેલની ઝડતી કરી હતી. ઝડતી સ્ક્વોડના અમલદાર સુબેદાર ગોવિંદભાઈ એસ. વાવરોટીયા અને સ્ટાફે યાર્ડ નંબર ૦૭ તથા તેના ખુલ્લા ભાગમાં ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.
આ તપાસ દરમિયાન યાર્ડ નંબર ૦૭ ના ખુલ્લા ભાગમાં આવેલા પી.સી.ઓ. રૂમ પાછળના ટેલિફોન બૂથના કનેક્શન બોક્સમાં છુપાવેલ હાલતમાં એક લાલ રંગનો મોબાઈલ ફોન (સીમકાર્ડ વગર અને બેટરી સાથે ચાલુ હાલતમાં) મળી આવ્યો હતો. આ મોબાઈલ ફોન કબજે કરીને વધુ તપાસ માટે એફ.એસ.એલ.માં મોકલી આપવામાં આવ્યો છે.

