Gujarat

સમી તાલુકાના દુદખા ગામે જર્જરિત પાણીની ટાંકી બની જોખમી..

સમી તાલુકાના દુદખા ગામે જર્જરિત પાણીની ટાંકી બની જોખમી..

ટાંકીની નજીક બે શાળાઓ હોવા છતાં તંત્ર નિષ્ક્રિય, ગ્રામજનોમાં ભારે ચિંતા અને રોષ

દુદખા ગામે પાણીની ટાંકી જર્જરિત હોવા છતાં પીવાનું પાણી ભરવામાં આવતા તંત્ર સામે અનેક સવાલો.!!

પાટણ જિલ્લાના સમી તાલુકાના દુદખા ગામે પીવાના પાણી માટે ઉપયોગમાં લેવાતી પાણીની ટાંકી અત્યંત જર્જરિત હાલતમાં પહોંચી જતાં ગ્રામજનોમાં ભારે ભય અને રોષ ફેલાયો છે. ગામના મધ્ય ભાગે આવેલી આ ટાંકી વર્ષો જૂની હોવા છતાં તેની મરામત કે નવી ટાંકી અંગે હજુ સુધી કોઈ ઠોસ કાર્યવાહી ન થતાં સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ જર્જરિત ટાંકીની બાજુમાં જ કન્યા શાળા અને કુમાર શાળા નજીકનાં જ અંતરમાં આવેલી છે, જેના કારણે નાનાં બાળકોના જીવ પર સીધું જોખમ મંડરાઈ રહ્યું છે.
દુદખા ગામમાં પીવાનું પાણી આજ ટાંકી મારફતે જ વિતરણ કરવામાં આવે છે. એટલે આ ટાંકી માત્ર એક બાંધકામ નથી, પરંતુ સમગ્ર ગામના દૈનિક જીવન સાથે જોડાયેલું મહત્વપૂર્ણ માધ્યમ છે. પરંતુ હાલ તેની દિવાલોમાં પડેલા ચીરા, કાંકરીટની ઊખડતી સપાટી અને બહારથી સ્પષ્ટ દેખાતી જર્જરિત સ્થિતિ જોઈને કોઈપણ વ્યક્તિ સહેલાઈથી કહી શકે કે ટાંકી હવે સુરક્ષિત હાલતમાં નથી.

આ સ્થિતિ વચ્ચે સૌથી ગંભીર સવાલ એ ઉભો થયો છે કે શું આ બાબતે તંત્ર સમક્ષ અગાઉ કોઈ રજૂઆત કરવામાં આવી છે કે નહીં? જ્યારે આ મુદ્દે ગામના જવાબદાર તંત્રને પૂછવામાં આવ્યું ત્યારે ચોંકાવનારી રીતે સ્પષ્ટ જવાબ મળ્યો નહીં. ગામના સરપંચ અને તલાટી પાસે જ્યારે આ જર્જરિત ટાંકી અંગે રજૂઆત, રિપોર્ટ અથવા કાર્યવાહી વિશે પૂછપરછ કરવામાં આવી ત્યારે બંને તરફથી ગોળમટોળ અને ટાળટૂંળભર્યા જવાબો મળતા અનેક સવાલો ઉભા થયા છે.
સ્થાનિકોમાં ચર્ચા છે કે જો આટલી ગંભીર અને જાહેર સુરક્ષાને સીધી અસર કરતી બાબતમાં પણ જવાબદાર અધિકારીઓ પાસે સ્પષ્ટ માહિતી નથી, તો ગામની મૂળભૂત સુવિધાઓ અંગે તંત્ર કેટલું જાગૃત છે તે પોતે જ મોટો પ્રશ્ન છે. ખાસ કરીને જ્યાં બાળકો રોજ શાળાએ આવે છે અને આજુબાજુ રમે છે, ત્યાં આવી જોખમી ટાંકી હોવા છતાં કોઈ તાત્કાલિક પગલું ન લેવાયું હોવું ગંભીર બેદરકારી ગણાય.
દુદખા ગામે આવનારા દિવસોમાં કોઈ દુર્ઘટના સર્જાય તો તેની સંપૂર્ણ જવાબદારી કોણ લેશે? કારણ કે ગામના બાળકો, શિક્ષકો, પસાર થતા ગ્રામજનો અને પાણી માટે આવતા લોકો દરરોજ આ ટાંકીની આજુબાજુથી પસાર થાય છે. એક બાજુ શૈક્ષણિક સંસ્થાઓ અને બીજી બાજુ પીવાના પાણીની આવશ્યકતા વચ્ચે આ જર્જરિત માળખું હવે ગામ માટે જીવલેણ સાબિત થઈ શકે તેવી સ્થિતિ ઊભી થઈ છે.

ગામજનોમાં એ બાબતે પણ ભારે નારાજગી જોવા મળી રહી છે કે વિકાસના દાવા વચ્ચે ગ્રામ્ય વિસ્તારોમાં લોકો આજે પણ મૂળભૂત સુરક્ષા અને સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યા છે. પીવાના પાણી જેવી અગત્યની વ્યવસ્થા જ જોખમ હેઠળ હોય અને જવાબદાર તંત્ર પાસે યોગ્ય માહિતી કે કાર્યવાહીનો સ્પષ્ટ રેકોર્ડ ન હોય, તો તે સમગ્ર વહીવટી વ્યવસ્થાની કાર્યશૈલી પર ગંભીર સવાલ ઉભા કરે છે.
દુદખા ગામની આ પરિસ્થિતિ હવે માત્ર સ્થાનિક સમસ્યા નથી રહી, પરંતુ તે ગ્રામ્ય વિસ્તારોમાં બેદરકારી, બિનજવાબદારી અને વિકાસના ખોખલા દાવાઓનું જીવંત ઉદાહરણ બની રહી છે. ટાંકીની હાલત જોઈને ગ્રામજનો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ટેકનિકલ નિરીક્ષણ કરાવી ટાંકીની સુરક્ષા ચકાસવામાં આવે, જરૂરી હોય તો તેનો ઉપયોગ તાત્કાલિક બંધ કરવામાં આવે અને નવી સલામત પાણી વ્યવસ્થા ઉભી કરવામાં આવે.

હાલ આ સમગ્ર મામલો જોતા શાળા પરિસર પાસે આવેલી આ જોખમી ટાંકી મામલે જિલ્લા તંત્ર, પાણી પુરવઠા વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્ર તાત્કાલિક હસ્તક્ષેપ કરે. કારણ કે અહીં માત્ર એક ટાંકીનો પ્રશ્ન નથી, પરંતુ અનેક નિર્દોષ બાળકો અને સમગ્ર ગામની સુરક્ષાનો પ્રશ્ન જોડાયેલો છે.
હવે જોવાનું એ રહ્યું કે તંત્ર દુદખા ગામની આ ગંભીર સમસ્યાને કેટલી ગંભીરતાથી લે છે અને કોઈ મોટી દુર્ઘટના બન્યા પહેલાં જાગે છે કે પછી ફરી એકવાર ઘટના બન્યા બાદ જ કાર્યવાહી થાય છે.

રિપોર્ટ : અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ

IMG-20260406-WA0071-2.jpg IMG-20260406-WA0073-1.jpg IMG-20260406-WA0075-0.jpg