Gujarat

બારડોલી પાસે કન્ટેનરમાંથી 38.59 લાખનો દારૂ પકડાયો

સુરત ગ્રામ્ય પોલીસે બારડોલી નજીક ઉવા ગામ પાસેથી એક કન્ટેનરમાંથી રૂ. 38.59 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. કન્ટેનરમાં બનાવેલા ગુપ્ત ચોરખાનામાંથી આ દારૂ મળી આવ્યો હતો. પોલીસે બે રાજસ્થાની શખ્સોની ધરપકડ કરી છે.

આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા ગેરકાયદેસર હેરાફેરી રોકવા માટે વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. આ ડ્રાઈવ અંતર્ગત એલ.સી.બી અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું.

પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. ભટોળ (LCB) અને એન.જી. પાંચાણી (પેરોલ ફર્લો સ્ક્વોડ) ના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમો પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન એ.એસ.આઈ શૈલેષભાઈ, હેડ કોન્સ્ટેબલ ચિરાગકુમાર અને અમરતજીને ચોક્કસ બાતમી મળી હતી. બાતમી મુજબ, એક ટાટા ટ્રક કન્ટેનર (નંબર NL-01-AC-2152) માં દારૂનો મોટો જથ્થો ભરીને ધુલિયા અને સોનગઢ થઈને વડોદરા તરફ જઈ રહ્યું હતું.

બાતમીના આધારે પોલીસે બારડોલી તાલુકાના ઉવા ગામની હદમાં નેશનલ હાઈવે નંબર 53 પર શ્રી હરિ ઈન્ડસ્ટ્રીઝ સામે વોચ ગોઠવી હતી. શંકાસ્પદ કન્ટેનર આવતા તેને અટકાવી તપાસ કરતા અંદર બનાવેલા ગુપ્ત ચોરખાનામાંથી વિદેશી દારૂની કુલ 25,728 બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. 38,59,200/- થાય છે.

પોલીસે કન્ટેનરના ચાલક ડુંગરારામ પુરારામ ચૌધરી (જાટ) અને ક્લીનર સરૂપારામ દેદારામ જાટ (બંને રહે. બાડમેર, રાજસ્થાન) ની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ દારૂનો જથ્થો અંબાલા બાયપાસ પાસેથી સઈરામ ભાગીરથરામ બિશ્નોઈ (રહે. બાડમેર) નામના શખ્સે ભરાવી આપ્યો હતો અને વડોદરા પહોંચાડવાનો હતો. પોલીસે સઈરામ બિશ્નોઈ અને વડોદરામાં દારૂ મંગાવનાર અજાણ્યા ઈસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.